– ભવિષ્યમાં ICCને બદલે દ્વિપક્ષીય સિરીઝ યોજીશું જેથી વધુ આવક થઈ શકે
નવી િદલ્હી : કોરોના વાયરસને પગલે હાલમાં સમગ્ર વિશ્વમાં ક્રિકેટ બંધ થઈ ગયું છે ત્યારે આ સિઝનની ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે.આ સંજોગોમાં ભારતીય ક્રિકેટ બોર્ડના ટ્રેઝરર અરુણ ધુમાલે જણાવ્યું હતું કે આ વખતે જો આઇપીએલ યોજાશે નહીં તો બોર્ડને ચાર હજાર કરોડનું જંગી નુકસાન થશે.અરુણ ધુમાલે આ સાથે એમ પણ ઉમેર્યું હતું કે ભવિષ્યમાં બીસીસીઆઈ દ્વારા વધુને વધુ દ્વિપક્ષીય સિરીઝનું આયોજન કરાશે જે આઇસીસીની ઇવેન્ટ કરતાં વધારે આવક રળી આપનારી સિરીઝ બની જતી હોય છે.કોરોનાને કારણે પેદા થયેલી વૈશ્વિક આર્થિક કટોકટીમાં નાણાં રળી આપતી આઇપીએ જેવી ધનાઢ્ય લીગ લગભગ રદ થવાને આરે છે તેમ છતાં કોઈ બોર્ડ સુરક્ષિત હોવાનો દાવો કરી શકે તેમ હોય તો તે બીસીસીઆઈ છે.
વાસ્તવિકતા એ છે કે ભારતીય ક્રિકેટ બોર્ડે તેના નાણા ફિક્સ ડિપોઝિટમાં રાખેલા છે જ્યારે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ તેની મૂડી ઇક્વિટી માર્કેટમાં રોકતું આવ્યું છે.આમ છતાં આઇપીએલમાંથી આવતી રકમ ઘણી મોટી હોય છે અને આ નુકસાનની તૈયારી રાખવાની હોય છે.ધુમાલે જણાવ્યું હતું કે એક અંદાજ મુજબ આ વખતે આઇપીએલ રમાય નહીં તો બોર્ડને 4019 કરોડ રૂપિયાનું નુકસાન જશે.