કોરોના સામેની જંગ માટે PM ફંડમાંથી 3100 કરોડ રૂપિયાની ફાળવણીઃ PMO

274

-2000 કરોડ વેન્ટિલેટર માટે,1000 કરોડ પ્રવાસી મજૂરો માટે અને 100 કરોડ રસીની શોધ પાછળ વપરાશે

નવી દિલ્હી : કોરોના વાયરસના સંકટ સામે લડવા માટે બનાવવામાં આવેલા પીએમ કેર્સ ફંડ પર વિપક્ષ મોદી સરકાર પર સતત પ્રહાર કરી રહ્યો હતો. કોંગ્રેસ તરફથી પીએમ ફંડનું ઓડિટ કરાવવાની પણ માગ કરવામાં આવી હતી.એવામાં આજે કેન્દ્ર સરકારના 20 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત બાદ હવે વડાપ્રધાન કાર્યાલય તરફથી પીએમ કેર્સ ફંડમાં જમા થયેલા પૈસાની વહેચણી કરવાની જાહેરાત કરવામાં આવી છે.કોરોના સામેની લડાઈ માટે પીએમ કેર્સ ફંડમાંથી 3100 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે.

2000 કરોડ રૂ.માંથી 50,000 વેન્ટિલેટર ખરીદાશે

3100 કરોડમાંથી 2000 કરોડ રૂપિયા વેન્ટિલેટર ખરીદવા માટે વાપરવામાં આવશે કોરોના સામેની જંગ લડવા માટે 2000 કરોડ રૂપિયાના ભારતના મેડ ઈન ઈન્ડિયા 50 હજાર વેન્ટિલેટર ખરીદવામાં આવશે.આ વેન્ટિલેટર તમામ રાજ્યોની સરકારી હોસ્પિટલ્સમાં મોકલવામાં આવશે.

પ્રવાસી મજૂરો પાછળ 1000 કરોડ રૂ.વપરાશે

પ્રવાસી મજૂરો માટે રાહતની વાત કરવામાં આવે તો ગરીબો અને પ્રવાસી મજૂરોની ભલાઈ માટે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કુલ 1,000 કરોડ રૂપિયાની રકમ ફાળવવામાં આવશે.આ રકમ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવશે.જેમની મદદથી ગરીબ અને મજૂરોને રહેવા-ખાવાની,મેડિકલ અને સ્થળાંતરની વ્યવસ્થા કરવામાં આવશે.કોરોનાના દર્દીઓની સંખ્યા અને દરેક રાજ્યના ભાગે આવતી રકમ અનુસાર ફંડની વહેચણી કરવામાં આવશે.

કોરોનાની રસીના વિકાસ કાર્યો માટે 100 કરોડ રૂ. વપરાશે

કોરોના વાયરસને ડામવા માટે હજી સુધી કોઈ રસીની શોધ નથી થઈ શકી.પરંતુ દુનિયાભરના તમામ દેશો તેની રસી બનાવવા પાછળ પોતાનું એડી-ચોટીનું જોર લગાવી રહ્યા છે.પીએમ કેર્સ ફંડમાંથી 100 કરોડ રૂપિયા કોરોનાની રસી બનાવવા માટેના વિકાસ કાર્યો પાછળ વાપરવામાં આવશે.

નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસની મહામારીના કારણે ફેલાયેલા સંકટને ધ્યાનમાં રાખીને પીએમ કેર્સ ફંડની શરૂઆત કરી હતી અને લોકોને તેમાં દાન કરવા માટેની અપીલ કરી હતી.આ ટ્રસ્ટની સ્થાપના 27 માર્ચ 2020ના રોજ વડાપ્રધાન નરેનદ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. રક્ષા મંત્રી,ગૃહ મંત્રી અને નાણાં મંત્રી આ ટ્રસ્ટના સભ્યો છે.આ ફંડની જાહેરાત કરતા સમયે વડાપ્રધાન મોદીએ ફંડમાં દાન કરનારા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Share Now