– બે માસથી રોજીરોટી બંધ હોય મજબૂરીવશ રિક્ષાચાલકો લોકડાઉન તોડવા મજબૂર : ઘરમાં અનાજ નથી,લાઇટબિલ કે ભાડું ભરવા પૈસા નહીં હોવાની અનેકની હૈયાવરાળ
નવી દિલ્હી તા. ૧૫ : લોકડાઉનથી તાળાબંધી સાથે ખિસ્સાબંધી પણ થઇ સૂકી છે.રોજ કમાઇને રોજ ખાનારો મોટો વર્ગ પરિવાર સાથે પારવાર પરેશાન થઇ રહ્યો છે.ખાલી પેટ અને ખાલી ખિસ્સે લાખો લોકો પગપાળા વતન પહોચવા મજબૂર બન્યા છે.ફૂટપાથ ઉપર બેસી ચંપલ સીવતો,લારી લઇ ગલીગલીએ સામાન વેચતો કે રિક્ષા અને ટેમ્પો ચલાવી પરિવારનું પેટિયું રળતો દરેક વ્યકિત બે માસથી બેકાર બન્યો છે.રોજીરોટી ગુમાવી નિસહાય ચહેરે ઘરે બેઠો છે.સુરતના લાખો રિક્ષાચાલકો પણ તેમાંથી બાકાત રહ્યાં નથી.ન રહેવાય.., ન કહેવાય… કે, ન સહેવાય… જેવી મુશ્કેલ સ્થિતિમાં રિક્ષાની સાથે હજારો રિક્ષાચાલકોની જિંદગીની ગાડીને પણ બેક લાગી ચૂકી છે.
દેશમાં લોકડાઉનનું ચોથું ચરણ શરૂ થઇ રહ્યું છે.પૂર્ણતાને આરે આવેલા ત્રીજા ચરણ સુધીમાં કોરોનાને કારણે અનેક પરિવારોનું જીવનધોરણ સમુળગું બદલાઈ ગયું છે.તેમાંય અસંગઠિત ક્ષેત્રમાં છૂટક નાના-મોટા કામકાજ કરનારાઓ જિંદગીના બે છેડા ભેગા કરવા સંઘર્ષ કરી રહ્યાં છે.લોકડાઉન વચ્ચે બે માસથી રિક્ષાચાલકોની જિંદગી પણ અત્યંત જટિલ બની ગઇ છે.બે માસથી સંપૂર્ણ બેકાર બની ઘરે બેસવાનો વખત ! આવ્યો છે. હવે પરિવારજનોની ચિંતામાં મજબૂરીવશ કાયદો હાથમાં લેવો પડે તેવી વિષમ સ્થિતિ ઉપસ્થિત થઇ છે.પ્રતિદિન આર્થિક સ્થિરતા તૂટી રહી હોય,માથે દેવું વધી રહ્યું હોય હજારો રિક્ષાચાલકોમાં તંત્ર સામે છૂપો ગણગણાટ ઊઠી રહ્યો છે.રિક્ષાચાલકો મજબૂરીવશ લોકડાઉન તોડવા મજબૂર બન્યા છે.આ હકીકત રજૂ કરતી પોસ્ટ સોશિયલ મીડિયામાં ફરતી થઇ છે.સરકાર કે સરકારી તંત્ર દ્વારા સુરતમાં રિક્ષાચાલકોની રોજીરોટી અંગે વિચારણા કરવા અપીલ થઇ રહી છે.
સરકાર વૈકલ્પિક વ્યવસ્થા કરે અથવા આર્થિક સહાય કરે
વોટ્સએપ ઉપર ફરતી થયેલી પોસ્ટમાં તંત્ર સહાય કરે. રોજની કમાણી બે મહિનાથી બંધ છે.સરકાર વૈકલ્પિક વ્યવસ્થા કરે અથવા આર્થિક સહાય કરે. ઘરમાં અનાજ નથી.ભાડું કે લાઇટબિલ ચૂકવવાના રૂપિયા નથી.કેટલાક રિક્ષાચાલકો મજબૂરીમાં મંજૂરી વિના બહાર નીકળવા મજબુર થયા છે.સામાજિક સંસ્થાઓ આગળ આવે તેવી અપીલ કરવામાં આવી છે.અન્યથા રિક્ષાયાલકો લોકડાઉન તોડવા મજબુર થયા હોવાની ચેતવણી આપવામાં આવી રહી છે. રિક્ષામાં બેસનારા મુસાફર માટે સોશિયલ ડિસ્ટન્સિંગ પણ માથાનો દુઃખાવો જ છે.તેવા સંજોગોમાં રોજીરોટીને લઇને રિક્ષાચાલકોની હાલત કફોડી થઇ છે.