બારડોલી : સુરત જિલ્લામાં આજરોજ ફરી પરપ્રાંતીય લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. વતન જવાની માંગ સાથે માંગરોળના પીપોદરા ખાતે પરપ્રાંતિયો હાઇવે ઉપર ઉતરી આવ્યા હતા.નેશનલ હાઇવે ૪૮ પર ચક્કજામ કર્યો હતો. જોકે પોલીસ ઘટના સ્થળે દોડી આવતા હોબાળો મચાવનાર ભાગી છૂટ્યા હતા.ત્યારબાદ સુરત જિલ્લાનો મોટો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવી ૨૦ થી વધુ જેટલા પરપ્રાંતીય શ્રમિકોને ડિટેન કર્યા હતા.
સુરત જિલ્લામાં રોજબરોજ પરપ્રાંતીય લોકો વતન જવાની માંગ સાથે હોબાળો મચાવતા જોવા મળે છે.ત્યારે આજરોજ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનાં પીપોદરા જી.આઈ.ડી.સી વિસ્તારમાં પરપ્રાંતીય લોકો રોડ ઉપર ઉતરી આવ્યા હતા.વતન જવાની માંગ સાથે આશરે ૨૦૦ જેટલા પરપ્રાંતીય કામદારો ટ્રેન વ્યસ્થા વહેલી તકે કરવાની માંગ સાથે પરપ્રાંતીય શ્રમિકોનું ટોળું જી.આઈ.ડી.સી વિસ્તારને અડીને આવેલા નેશનલ હાઇવે ૪૮ પર ધસી ગયું હતું અને ચક્કજામ કરી હોબાળો માચાવ્યો હતો.ઘટના અંગેની જાણ થતાંની સાથે જ જીલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો,અને પોલીસને આવતા જોઈ હોબાળો મચવાનારા ઘટના સ્થળેથી ભાગી છૂટ્યા હતા.જોકે ત્યાર બાદ સુરત જિલ્લા એલ.સી.બી, એસ.ઓ.જી તેમજ જીલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી પેટ્રોલિંગ કરી ૨૦ થી વધુ પરપ્રાંતીય લોકોની અટકાયત કરી હતી.હાલ તો પોલીસ દ્વારા પરિસ્થિતિ પર કાબુ મેળવી વિસ્તારમાં રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરી લોકોને શાંતિ જાળવવા અપીલ કરી રહી છે.