વલસાડ, 22 મે : સરપંચની હાજરીમાં હુમલો મામલે પીઆઇ સામે પગલાં ભરવા માંગ કરાઇ છે.ભાટ ગામે 6 માછીમારને મરીન પીઆઇએ લાકડીથી ફટકારતા મામલો એસપીના દરબારમાં પહોંચ્યો છે.એસપીને પાઠવાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે,ભાટ ગામ સંપૂર્ણ રીતે માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલું છે.
ગામમાં જેટી ન હોય સરકારને રજૂઆત કરી છે પણ હજુ સુધી કઈ વ્યવસ્થા ન હોય તેના પ્રથમ તબક્કા ભાગરૂપે ગામના લોકો દ્વારા લોકભાગીદારી સાથે જેટી સુધી જવા રસ્તાનું કામ ચાલતું હતું.રસ્તાની સગવડ ગામના માછીમારો કરી રહ્યા હતા.દરમિયાન ગામમાં જિંગા તળાવ ધરાવતા પરિમલભાઈ નામના શખ્સે કોઈ કારણસર વિરોધ કરતા ગ્રામજનોએ રસ્તાનું કામ બંધ કરી ઘરે પાછા ફરી રહ્યા હતા.જ્યાંથી તેઓ ધોલાઈ મરીન પોલીસ સ્ટેશને જવાબ લખાવવા પહોંચ્યા હતા.પોલીસ સ્ટેશનથી ઘરે પરત ફરતી વખતે રસ્તામાં જમાદારે તેઓને રોક્યા હતા અને તેમને જણાવ્યું હતું કે,પીઆઇ તમને મળવા આવે છે.જેથી તેઓને અહીં જ રોકાવવા જણાવ્યું હતું.તેઓ રસ્તામાં સાઈડ પર ગાડી મૂકી રાહ જોતા ઉભા રહ્યા હતા.જ્યાં થોડીવારમાં પીઆઇ ખોખર આવી પહોંચી વાતચીત કર્યા વિના જ લાઠીથી માછીમારોને માર માર્યા હતા.ઘટનાસ્થળે ગામના સરપંચ પણ હાજર હતા.તેમને પણ આ બાબતે કોઈ પૂછપરછ કરવામાં આવી ન હતી.લાકડીથી માર મરાતા 6 માછીમારોએ મેંધર આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવી પડી હતી.આવેદનમાં પી.આઈ ખોખર, અન્ય પોલીસ કર્મી જીગ્નેશ પટેલ,સુરેશભાઈ અને રવિભાઈ સામે કાર્યવાહી કરી ન્યાય આપવાની માગણી કરાઇ હતી.