– દરેક યુનિટ સંપૂર્ણ સેનેટાઇઝ કરવાનું રહેશે. દર બે કલાકે ટોયલેટ અને બાથરૂમ પણ સેનેટાઇઝ કરાશે
સુરત : સુરતમાં કોવિડ-19ની સ્થિતિમાં સુધાર અને લોકડાઉનમાં રાહતો આપવાની જાહેરાત પછી સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશનની કારોબારી સમિતિની બેઠક આજે પાંડેસરા ખાતે યોજાઇ હતી.આ બેઠકમાં શહેર-જિલ્લામાં આવેલી 350 ડાઇંગ-પ્રોસેસિંગ મિલોમાંથી મહત્તમ મિલો શરૂ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.
એસજીટીપીએના ચેરમેન કમલ વિજય તુલસ્યાને જણાવ્યું હતું કે,25મી મેથી 33 ટકા કામદારોની હાજરીમાં એકમો શરૂ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે.અત્યારે પણ સુરત રિજયનમાં 50 ટકા કામદારો વતને ગયા નથી.કામદારોની આ સંખ્યામાં 16 કલાકની બે પાળી કામકાજ થઇ શકે છે.એક વાર વિવિંગ અને પ્રોસેસિંગ એકમો શરૂ થશે તો જે કામદારો વતને જઇ રહ્યા છે.તે પણ અટકી જશે.જે મિલો જોબવર્ક પર કામ કરતી આવી છે.તેમણે સ્ટાફની સમસ્યા હશે તો પણ મદદરૂપ થવાશે.દરેક યુનિટ સંપૂર્ણ સેનેટાઇઝ કરવાનું રહેશે.દર બે કલાકે ટોયલેટ અને બાથરૂમ પણ સેનેટાઇઝ કરાશે અને માસ્ક વિના કોઇપણ કારીગરને પ્રવેશ આપવામાં આવશે નહીં.એસજીટીપીએના પ્રેસિડેન્ટ જીતેન્દ્ર વખારીયાએ જણાવ્યું હતું કે,આ નિર્ણયથી જે કારીગરો હિજરત કરી રહ્યા છે.તે પણ અટકશે.અત્યારે લગ્નસરા અને રમઝાન માસની સિઝન ફેઇલ થઇ છે.ત્યારે અત્યારથી કામ શરૂ થશે તો દિવાળીની સીઝન સુધીમાં ઉદ્યોગ લેવલે આવશે.