અમદાવાદ : ફરી એકવાર ભારતીય વપરાશકારોનો અંગત ડેટા લીક થવાનો મામલો સામે આવ્યો છે.સાયબર ગુનેગારો પર નજર રાખનાર ઓનલાઇન ગુપ્તચર કંપની સિબીલેના જણાવ્યા અનુસાર સાયબર ગુનેગારોએ ડાર્ક વેબ પર 2.9 કરોડ ભારતીયોની વ્યક્તિગત માહિતી લીક કરી છે.તાજેતરમાં જ આ કંપનીએ ફેસબુક અને ઓનલાઇન એજ્યુકેશન વેબસાઇટ અનએકડેમી પર વપરાશકર્તાઓના ડેટા હેક કરવા વિશે પણ માહિતી આપી હતી.
સિબીલે જણાવ્યું હતું કે નોકરીની શોધમાં રહેલા 2.91 કરોડ ભારતીયોના ડેટા લીક થયા છે. આ સમયે મોટી સંખ્યામાં ડેટા ચોરી કરીને ડાર્ક વેબ પર મૂકવામાં આવ્યો છે.તેમાં શિક્ષણ,સરનામું,ઇમેઇલ,ફોન,લાયકાત,કાર્યનો અનુભવ જેવી ઘણી સંબંધિત વ્યક્તિગત માહિતી શામેલ છે.
સિબીલે અનેક જાણીતી ભારતીય વેબસાઇટ્સના જોબની માહિતી આપતા સ્ક્રીનશોટ પણ પોસ્ટ કર્યા છે.કંપની હાલમાં સ્રોતને શોધી રહી છે કે જેના પરથી ડેટા લીક થયો છે.સાયબર ગુનેગારો આવી માહિતી એકઠી કરે છે અને બીજાના નામે કૌભાંડ અથવા જાસૂસી પ્રવૃત્તિ કરે છે.એક તાજેતરના અહેવાલમાં એવું બહાર આવ્યું છે કે ભારતીય કંપનીઓએ તેમના ઓપરેશન પર રિન્સમવેર વાયરસના ખરાબ પ્રભાવોને દૂર કરવા માટે સરેરાશ આઠ કરોડ રૂપિયાની ખંડણી ચૂકવી છે.

