નવી દિલ્હી : ભારતી ટેલિકોમના પ્રમોટરે ભારતી એરટેલમાં તેમનો 2.75 ટકા હિસ્સો ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સને સેકન્ડરી માર્કેટમાં વેચીને ~8433 કરોડ મેળવ્યા છે તેમ કંપનીએ મંગળવારે જણાવ્યું હતું. ભારતી ટેલિકોમનું દેવું ચૂકતે કરવા માટે આ રકમનો ઉપયોગ કરવામાં આવશે.તેને કારણે પ્રમોટર હોલ્ડિંગ કંપની ડેટ ફ્રી કંપની બની જશે.આ ટ્રાન્ઝેક્શન પછી પણ ભારતી ગ્રુપ અને સિંગટેલનો ભારતી એરટેલમાં 56.23 ટકા બહુમતી હિસ્સો જળવાઈ રહેશે.
ભારતી ટેલિકોમે આ ટ્રાન્ઝેક્શન અંગે જણાવ્યું હતું કે ઈશ્યૂ ઓવરસબસ્ક્રાઈબ થયો હતો અને તમામ કેટેગરીના રોકાણકારોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. એશિયા,યુરોપ અને અમેરિકાના રોકાણકારોએ તેમાં રસ દાખવ્યો હતો.ભારતી ટેલિકોમ એ ભારતી એરટેલ લિમિટેડની પ્રમોટર કંપની છે,જેણે આ 2.75 ટકા હિસ્સો વેચ્યો છે.તેના દ્વારા તેણે ~8433 કરોડ(1.15 અબજ ડોલર) ઊભા કરી લીધા છે.
અનેક વર્તમાન શેરધારકો અને નવા શેરધારકો તથા અનેક જાણીતા ગ્લોબલ મ્યુચ્યુઅલ ફંડ કોમ્પ્લેક્સ, સોવરેન વેલ્થ ફંડ્સ, મલ્ટિ-સ્ટ્રેટજી ફંડ્સ અને સ્થાનિક સંસ્થાગત રોકાણકારોએ પણ તેમાં ભાગ લીધો હતો.આ રકમ ઊભી કરી લેવાથી ભારતી ટેલિકોમ લિમિટેડ ઝીરો ડેટ કંપની બની જશે જેને કારણે ભારતી એરટેલનો ક્રેડિટ પ્રોફાઈલ મજબૂત થઈ જશે અને કોન્સોલિડેટેડ ધોરણે ડિલિવરેજ થવામાં તેને મદદ મળશે.કંપનીએ કહ્યું હતું કે ભારતી ગ્રુપ અને સિંગટેલ બહુમતી રોકાણકાર તરીકે બિઝનેસ અને તેના લાંબા ગાળાના પ્રોસ્પ્કેટ્સ્ અંગે વચનબદ્ધ છે.છેલ્લાં કેટલાક વર્ષોમાં પ્રમોટરોએ ભારતી એરટેલમાં ~21,000 કરોડ(અંદાજે 3 અબજ ડોલર)નું રોકાણ કર્યું છે અને ભવિષ્યમાં પણ જરૂર પડશે તો રોકાણ કરશે તેમ કહ્યું હતું.