વલસાડ : નાનાપોઢાના કપરાડા તાલુકાના 35 થી 40 ગામોમાં ફેબ્રુઆરી માસથી જ પાણીની સમસ્યા શરૂ થઈ જાય છે.અહીં એક માત્ર હેન્ડપંપ હોવાથી મહિલાઓ જાગરણ કરી માંડ એક બેડું પાણી ભરી શકે છે.આ વર્ષે એક નહિ પરંતુ લોકોના માથે બે બે મુસીબત ઉભી થઈ છે એક તરફ કોરોના વાઈયરસ અને બીજી તરફ પાણીની સમસ્યા.લોકો પાણીની ફરિયાદ કરે તો કોને કરે ? તંત્ર કોરોના વાઈયરસમાં વ્યસ્ત બન્યું છે ત્યારે મહારાષ્ટ્ર ગુજરાત સીમાડાના માલઘર ગામમાં 3 હજારથી વધુ લોકો ટીપા માટે તરસી રહયા છે.અહીં એક હેન્ડપંપ ઉપર મહિલાઓની કતાર લાગે છે અને 24 કલાક બાદ પાણી ભરવા વારો આવે છે તે પણ માત્ર અને માત્ર એક બેડું પાણી ભરી ને તેની ઉપર ઘર ચલાવવું અઘરું બની જતું હોય છે.માલઘર ગામના મૂળગામ ફળીયામાં આવેલ એક માત્ર હેન્ડપંપ ઉનાળા દરમ્યાન ચાલુ રહે છે અને તે જ હેન્ડપંપ ઉપર આજે ગામની મહિલાઓ ઘરનું કામ કાજ છોડી એક બેડું પાણી માટે રાતવાસો કરવા મજબૂર બની છે તે પણ લાઈનમાં ઉભું રહેવું પડે છે અને પાણી માટે ઝગડા કે મારા મારી પણ થતી હોય છે.બાળકો પ્રત્યે પણ ધ્યાન કેન્દ્રિત કરાતું નથી ઘરનું કામ પડતું મૂકી ને હેન્ડપંપ ઉપર 24 કલાક સુધી પડી રહેવું પડે છે.