વલસાડ, 29 મે : લોકડાઉનમાં રિક્ષાચાલકો અને તેમના પરિવારની હાલત કફોડી થઇ છે.આ સંજોગોમાં વલસાડ રિક્ષા એસોસિએશન દ્વારા આર્થિક સહાય રૂપે મહિને 5 હજાર રિક્ષાચાલકોને આપવા દાદ માગવામાં આવી છે.જો માગણી ન સંતોષાશે તો આગામી દિવસોમાં આંદોલનની ચીમકી અપાઇ છે.
રાજ્યના રિક્ષા એસોસિએશનો દ્વારા રિક્ષાચાલકોની રોજી રોટી બંધ થવાના કારણે રાજ્યમાં 15 લાખથી વધુ રિક્ષાચાલકોના પરિવારો મુશ્કેલીમાં મૂકાયા છે તેવી રજૂઆત સરકાર સમક્ષ કરાઇ છે.જેના સંદર્ભે વલસાડ રિક્ષા એસોસિએશને ગુરૂવારે જિલ્લા કલેકટર કચેરી પહોંચી કલેકટરને આવેદન આપ્યું છે. જેમાં બે માસથી રિક્ષાનો ધંધો બંધ થતાં માસિક રૂ.5000 લેખે 2 માસના રૂ.10 હજાર રિક્ષાચાલકોના ખાતામાં નાંખવા અનુરોધ કરાયો છે.હાલમાં બે પેસેન્જરોને બેસાડવાની છુટ છે,પરંતું લોકો બહાર નિકળતા ન હોવાનું જણાવી તેમને માસિક રૂ.5 હજારની આર્થિક સહાય દર મહિને આપવા માગ કરાઇ છે.જો સહાય ન ચૂકવાશે તો રાજ્યભરના તમામ રિક્ષાચાલકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પર ઉતરી જશે તેવી ચીમકી એસોસિએશનના સભ્યોએ આપી છે.


