– સભ્યોએ પ્રમુખ ગણેશ ચૌધરી અને કારોબારી ચેરમેન રાજેશ પટેલ એક હથ્થું શાસન ચલાવી રહ્યા હોય તેમજ ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ કરવામાં આવતો હોવાનો પણ આરોપ લગાવ્યો
બારડોલી : બારડોલી નગરપાલિકામાં શાસકોમાં ચાલી રહેલા જુથવાદને ડામવામાં સુરત જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપસિંહ રાઠોડ નિષ્ફળ પુરવાર થયા છે. રવિવારના રોજ નારાજ સભ્યોના વિરોધ બાબતે યોગ્ય નિર્ણય કરવા માટે રવિવારનો સમય આપ્યો હતો.તેમ છતાં જિલ્લા પ્રમુખે કોઈ નિર્ણય ન લેતા છેવટે પાલિકાના 12 જેટલા નારાજ નગરસેવકોએ રાજીનામા ધરી દીધા હતા.તમામ 12 નગરસેવકો મોડી સાંજે નગર ભાજપ કાર્યાલય ખાતે પહોંચી લેખિતમાં રાજીનામાં આપી દેતાં બારડોલી શહેરમાં ખળભળાટ વ્યાપી ગયો છે.
છેલ્લા ઘણા સમયથી બારડોલી નગરપાલિકાના શાસક પક્ષમાં જુથવાદ ચાલી રહ્યો છે.જુથવાદને કારણે શહેરનો વિકાસ રૂંધાય રહ્યો છે.મંત્રી ઈશ્વર પરમાર જુથ અને સુરત જિલ્લા ભાજપ મહામંત્રી મહેશ વસાવા જુથ વચ્ચે ચાલતા વિખવાદને કારણે શહેરના કામો પણ ખોળંભે પડ્યા છે પરંતુ કોઈને વિકાસના કામો નહીં પરંતુ પોતાના જ વિકાસની પડી હોય આ જુથવાદ પરથી લાગી રહ્યું છે. જુથવાદ અંગે અનેક વખત જિલ્લા મોવડીમંડળને જાણ કરવામાં આવી હોવા છતાં જિલ્લા પ્રમુખ દિલિપસિંહ રાઠોડ મૌની બાબાની ભૂમિકા નિભાવી રહ્યા છે,જેને કારણે બારડોલીના અન્ય ભાજપ કાર્યકરોમાં પણ તેમની સામે રોષ જોવા મળી રહ્યો છે.તેઓ નાનો અમથો વિવાદ ડામવામાં નિષ્ફળ રહેતા હવે આ વિખવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે.છેલ્લા કેટલાક દિવસથી બારડોલી નગરપાલિકાના પ્રમુખ ગણેશ ચૌધરીના એક મહિલા સાથેના કથિત પ્રેમ સંબંધને લઈ નારાજ નગરસેવકો ઉશ્કેરાયા છે.તેઓ ગત 28મી મેના રોજ ગણેશ ચૌધરીના રાજીનામાંની માંગ સાથે મોવડી મંડળને રજૂઆત કરવા માટે ગયા હતા અને જો તેમની સામે પગલાં ન લેવાય તો તેઓ નગરસેવક પદેથી રાજીનામું આપી દેશે એવી ચીમકી આપી હતી.તે સમયે સંગઠન પ્રમુખ દિલીપસિંહ રાઠોડે રવિવારે નિર્ણય કરવા માટે આશ્વાસન આપ્યું હતું.આથી નગરસેવકોએ તે દિવસે રાજીનામું આપ્યું ન હતું.દરમ્યાન આજે રવિવારે સંગઠન પ્રમુખ દિલીપસિંહ દ્વારા કોઈ નિર્ણય નહીં લેવામાં આવતા મોડી સાંજે નારાજ નગરસેવકો ભેગા થયા હતા અને બારડોલી શહેર ભાજપ કાર્યાલય ખાતે રાજીનામાં આપવા માટે પહોંચ્યા હતા.જ્યાં તેમણે બારડોલી શહેર ભાજપ પ્રમુખ અજિતસિંહ સૂરમાને રાજીનામું આપતા ખળભળાટ મચી ગયો છે.સભ્યોએ પ્રમુખ ગણેશ ચૌધરી અને કારોબારી ચેરમેન રાજેશ પટેલ એક હથ્થું શાસન ચલાવી રહ્યા હોય તેમજ ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ કરવામાં આવતો હોવાનો પણ આરોપ લગાવ્યો છે.દિલિપસિંહ પોતાના વચન પર અડગ ન રહેતા બારડોલી ભાજપમાં ભડકો થયો હોવાનું ચર્ચાય રહ્યું છે ત્યારે હવે જિલ્લા પ્રમુખ પોતાનું વચન પાળવા માટે બારડોલીમાં ચાલી રહેલ જુથવાદ કઈ રીતે ઉકેલે છે તે જોવું રહ્યું.
રાજીનામાં આપનાર નગરસેવકો
ઉદેસિંગ સેંગર – બાંધકામ સમિતિ અધ્યક્ષ
ભૂપતસિંહ ચાવડા – આરોગ્ય સમિતિ ચેરમેન
મીનાબેન બી. દવે – ઉપપ્રમુખ
પન્નાબેન દેસાઇ –રોશની સમિતિ અધ્યક્ષ
વર્ષાબેન ભંડારી – ટી.પી. સમિતિ અધ્યક્ષ
ભીમસિંગ પુરોહિત – ભૂગર્ભ ગટર સમિતિ અધ્યક્ષ
જીજ્ઞેશ સોલંકી – સભ્ય
ઉષાબેન પટેલ – સભ્ય
પ્રીતિબેન રાઠોડ – સભ્ય
હિરેન ટાંક – સભ્ય
શૈલેષ ગામિત – સભ્ય
ઉષાબેન ચૌધરી – સભ્ય


