વલસાડ, 01 જુન : આર્થિક વિકાસ નગરી તરીકે જાણીતાં વાપી શહેરમાં છેલ્લા બે-ત્રણ વર્ષથી રિયલ એસ્ટેટમાં મંદીની બુમરાણ વચ્ચે મિલકતની ખરીદી વેચાણના સોદાઓ વધુ થાય છે. વર્ષ દરમિયાન મંદી વચ્ચે જમીન-મિલકતની ખરીદીની પ્રક્રિયા ચાલુ રહે છે.પરંતુ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 651 વધારે દસ્તાવેજો નોંધાયા છે.જો કે બિલ્ડરોના મતે રિયલ એસ્ટેટ ખુબ જ મંદી છે,પહેલા સોદાઓ થઇ જતા હોય છે,પરંતુ દસ્તાવેજો નોંધવાના બાકી રહે છે.જેથી હાલ દસ્તાવેજોની સંખ્યા વધુ દેખાય છે.
વાપી શહેરમાં જમીન -મકાનના ભાવો સતત વધી રહ્યાં છે.ભાવો વધવાની સાથે છેલ્લા થોડા વર્ષોમાં બાંધકામ ક્ષેત્રમાં મંદી હોવાનું ખુદ બિલ્ડરો જણાવી રહ્યાં છે,પરંતુ જમીન-મકાનના સોદાઓના આંકડા પર નજર કરીએ તો છેલ્લા બે વર્ષમાં સ્થિતિ અલગ જોવા મળે છે.કારણ કે વર્ષ 2018-2019માં એક જ વર્ષમાં કુલ 8163 દસ્તાવેજો નોંધાયા હતાં.જેમાં કુલ અવેજની રકમ 28221856354 અને નોંધણીની ફી 80090262 થઇ હતી.આ વર્ષે માર્ચમાં લોકડાઉન જાહેર થયુ હતું. માર્ચમાં સૌથી વધારે દસ્તાવેજો નોંધાતા હોય છે.આ વર્ષે 8814 દસ્તાવેજો નોંધાયા છે.અવેજની રકમ 18567795611 સ્ટેમ્પ ડયુટીની આવક 445294231 અને નોંધણી ફી 78930687 નોંધાઇ હતી.ગત વર્ષ કરતાં આ વર્ષે 651 દસ્તાવેજો વધુ નોંધાયા છે.જો કે વાપીમાં બિલ્ડરોના મતે મંદી વચ્ચે રિયલ એસ્ટેટમાં તમામ સોદાઓ ઠપ થઇ ગયા છે.છેલ્લા એક વર્ષમાં જે દસ્તાવેજો નોંધાયા છે તેના સોદાઓ અગાઉ થઇ ચુકયા હતાં. અગાઉ થયેલા વ્યવહારો બાદ દસ્તાવેજો નોંધાતા હોય છે.જેથી દસ્તાવેજોની સંખ્યા વધારે લાગી રહી છે.
વાપી સબરજિસ્ટ્રર કાર્યરત થયા બાદ એક વર્ષમાં સરેરાશ 10 હજાર દસ્તાવેજો નોંધાતા હતા,પરંતુ છેલ્લા બે વર્ષથી રિયલ એસ્ટેટમાં મંદીના કારણે દસ્તાવેજોની નોંધણીની સંખ્યા ઘટી રહી છે.સરેરાશ 10 હજાર દસ્તાવેજ સામે 2018-2019માં 8163 અને 2019-20માં 8814 દસ્તાવેજો નોંધાયા છે.આ આંકડા મુજબ રિયલ એસ્ટેટમાં ખરેખર મંદી છે,પરંતુ છેલ્લા બે વર્ષના આંકડામાં પણ તફાવત જોવા મળી રહ્યો છે.