વલસાડ,02 જૂન : કોરાના વાઈરસને લઈ 25 માર્ચથી સમગ્ર દેશમાં લોકડાઉન લાગૂ કરાતા વાપી શહેરના મુખ્ય બજારમાં ખાલીખમની સ્થિતી જોવા મળી હતી. આખરે 67 દિવસ પછી લોકડાઉન ખુલતા વાપીના બજારોમાં લોકોની ભીડ જોવા મળતા પુન: બજારમાં જન જીવન ધબકતુ જોવા મળ્યું હતું. વાપી ટાઉન અને ગુંજન વિસ્તારની મોટા ભાગની દુકાનો સોમવારથી ખુલી ગઈ હતી.કલેક્ટરના નવા જાહેરનામા મુજબ હવેથી દુકાનો સાંજે 7 વાગ્યા સુધી ખુલી રખાતા વેપારી વર્ગમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
8મી જૂન પછી ધાર્મિક સ્થાનો,હોટલ અને રેસ્ટોરન્ટ પણ ચાલુ થઈ જતાં ફરી વાપી શહેર ધબકતુ થશે.જોકે લોકોએ લોકડાઉનમાંથી મળેલી છૂટનો કડકાઈથી અમલ કરીને કોરોના સંક્રમણથી બચવા માટે પોતે જ કોરોના વોરિયર્સ બનવું પડશે.સોમવારે જાણે કે લાંબા સમય પછી ગુંજન અને વાપી ટાઉન મુખ્ય બજારની રોનક જોવા મળી હતી.


