નવી દિલ્હી : સેબીએ વોટ્સએપ મેસેજ દ્વારા કંપનીઓને સંવેદનશીલ માહિતી માહિતી લીક કરવાના કેસમાં શ્રુતિ વિશાલ વોરાને ગુનેગાર ઠરાવ્યા છે અને દંડ ફટકાર્યો છે.વિપ્રો,એશિયન પેઈન્ટ્સ અને માઈન્ડટ્રી જેવી કંપનીઓના પરિણામ અંગેની માહિતી તેમણે લીક કરી હતી.આ ઉપરાંત પાર્થિવ દલાલને પણ આ મામલે ગુનેગાર ઠરાવીને દંડ કર્યો છે.દલાલે વિપ્રોના પરિણામની વિગત લીક કરી હતી.સેબીએ અલગ-અલગ આદેશમાં શ્રુતિ વોરાને ત્રણ કેસમાં સંડોવણી બદલ ~45 લાખનો દંડ ફટકાર્યો છે અને દલાલને વિપ્રોના કેસમાં સંડોવણી બદલ ~15 લાખનો દંડ ફટકાર્યો છે.
શ્રુતિ વિશાલ વોરા એન્ટિક સ્ટોક બ્રોકિંગની ઈન્સ્ટિટ્યૂશનલ ટીમમાં કામ કરે છે.તે સપ્ટેમ્બર 2008થી આ ટીમમાં કામ કરે છે.પાર્થિવ દલાલ આ જ કંપનીમાં ઈન્સ્ટિટ્યૂશનલ ઈક્વિટી ટીમમાં એવીપી-સેલ્સ તરીકે કામ કરે છે.તે જાન્યુઆરી 2015થી કામ કરે છે.અગાઉ સેબીએ શ્રુતિ વોરા અને અન્ય એક વ્યક્તિને બજાજ ઓટો તથા અંબુજા સિમેન્ટ્સના પરિણામની માહિતી વોટ્સએપ પર લીક કરવાના કેસમાં દંડ ફટકાર્યો હતો.ઉલ્લેખનીય છે કે કેટલાક ન્યૂઝ રિપોર્ટ પ્રસિદ્ધ થયા હતા જેમાં કંપનીઓની સંવેદનશીલ માહિતી વોટ્સએપ ગ્રુપમાં ફરતી થઈ હોવાના અહેવાલ હતા.તેને પગલે સેબીએ તપાસ શરૂ કરી હતી.આ મામલે 26 એન્ટિટીને ત્યાં સર્ચ ઓપરેશન થયા હતા અને કેટલાક ડોક્યુમેન્ટ્સ જપ્ત કરાયા હતા.190 ડિવાઈસીસ,રેકોર્ડ્સ,વગેરે પણ જપ્ત થયા હતા.


