દિલ્હીઃ ઉપ-રાજયપાલની ઓફિસમાં ફૂટયો કોરોના બોમ્બ : ૧૩ પોઝિટિવ કેસ મળ્યા

486

નવી દિલ્હી, તા.૨: રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસ ઉપરાજયપાલ અનિલ બૈજલની ઓફિસ સુધી પહોંચી ગયો છે.દિલ્હીના ઉપરાજયપાલની ઓફિસમાં ૧૩ લોકો કોરોના પોઝિટિવ મળ્યા છે.આ જાણકારી મંગળવારે સવારે સામે આવી. દેશમાં અનલોક ૧.૦ લાગુ થઈ ચૂકયું છે પરંતુ સમગ્ર ભારતની સાથે દિલ્હીમાં પણ કોરોના વાયરસ વધી રહ્યો છે.દિલ્હીમાં કોરોનાના કેસ ૨૦ હજારને પાર પહોંચી ગયા છે.

સોમવારે ચાર દિવસ બાદ દિલ્હીમાં કોવિડ-૧૯ના સંક્રમણના એક હજારથી ઓછા કેસ આવ્યા.પાછલા ૨૮ મેથી ૩૧ મે વચ્ચે સતત દિલ્હીમાં એક હજારથી વધારે કેસ આવી રહ્યા હતા.પરંતુ ૧લી જૂને દિલ્હીમાં કોવિડ-૧૯ના ૯૯૦ કેસ આવ્યા.હવે દિલ્હીમાં કેસની સંખ્યા ૨૦ હજારને પાર પહોંચી ગઈ છે. અત્યારે કુલ ૨૦,૮૩૪ લોકો સંક્રમિત છે. દિલ્હીમાં ૫૦ વધુ મોત સાથે મૃતકોનો આંકડો ૫૨૩ થઈ ગયો છે.

સોમવારે જાહેર કરાયેલા હેલ્થ બુલેટીન મુજબ દિલ્હીમાં અત્યારે ૧૧૫૬૫ લોકો સંક્રમિત છે.તેમાં કોવિડ હોસ્પિટલમાં ૨૭૪૮ દર્દી એડમીટ છે, જેમાં ૨૧૯ લોકો ICUમાં અને ૪૨ દર્દી વેન્ટીલેટર સપોર્ટ પર છે.આ ઉપરાંત કોવિડ હેલ્થ સેન્ટરમાં ૧૬૪, કોવિડ કેર સેન્ટરમાં ૬૭૨ અને હોમ આઈસોલેશનમાં ૬૨૩૮ દર્દીઓ છે.અત્યાર સુધી દિલ્હીમાં ૨,૧૭,૫૩૭ સેમ્પલની તપાસ થઈ ચૂકી છે.કોવિડ-૧૯ના સંક્રમણની વાત કરીએ તો દિલ્હીમાં ૨ માર્ચે પહેલો મામલો સામે આવ્યો હતો. ૩૧ માર્ચ સુધી આ સંખ્યા ૧૨૦ સુધી પહોંચી ગઈ અને બે વધુ મોતની પુષ્ટિ થઈ. એપ્રિલ ૩૦ સુધી કેસ ૩૫૧૫ થઈ ગયા અને ૫૯ લોકોના મોત થયા. જયારે મેં મહિનમાં સંક્રમણ ઝડપથી ફેલાયું અને ૧ જૂને ૨૦ હજાર સુધી કેસ થઈ ગયા.

Share Now