– યુરોપના દેશોમાં જેની બહુ ડિમાન્ડ છે તે મોંઘા ભાવની માછલીઓનો સ્ટોક બે મહિનાથી વેચાયા વગરનો પડી રહ્યો છે : નિકાસકારોની માઠી : અમુક કોલ્ડ સ્ટોરેજો છલોછલ : હોટલો અને રેસ્ટોરન્ટ બંધ રહેતા કોઈ માછલીઓનો ભાવ પૂછતુ નથી : અનેક ઓર્ડરો કેન્સલ થયા : માછલીના નિકાસકારોને જંગી ખોટ સહન કરવી પડશે
નવી દિલ્હી, તા. ૨ : કોરોનાના કારણે દેશ-વિદેશની હોટલો અને રેસ્ટોરન્ટના તાળા હજુ ખુલ્યા નથી તેના કારણે વેરાવળ સહિતના ગુજરાતના દરીયા કાંઠે તમામ વેરાઈટી અને સાઈઝની ૧૦૦૦ કરોડની કિંમતની માછલીઓનો સ્ટોક કોલ્ડ સ્ટોરેજમાં કેદ થઈ ગયો છે.વેરાવળ સહિતના કેન્દ્રોમાં કોલ્ડ સ્ટોરેજ હાઉસફુલ થઈ ગયા છે.મળતા અહેવાલો મુજબ કોલ્ડ સ્ટોરેજોમાં ઉચ્ચ પ્રકારની માછલીઓ જેમ કે કટલેફીશ,પોમફ્રેટ ઉપરાંત લોબસ્ટર્સ અને જંબો શ્રીમપ્સ વગેરેની યુરોપના દેશોમાં ભારે ડીમાન્ડ રહેતી હોય છે.આ બધી માછલીઓ હાલ કોલ્ડ સ્ટોરેજોમાં ઘરજમાઈ થઈને રહી ગઈ છે કારણ કે માછલીઓનું નિકાસનું કામ બે મહિનાથી ઠપ્પ થઈ ગયુ છે.યુરોપીયન દેશો જેમ કે સ્પેન,ઈટાલી અને ફ્રાન્સમાં રેસ્ટોરન્ટ અને કાફે ખોલવાની મંજુરી મળી ગઈ છે પરંતુ મોટા પ્રમાણમાં ઓર્ડરો કેન્સલ થતા નિકાસને ફટકો પડયો છે.
વેરાવળ સ્થિત એક નિકાસકાર કેની થોમસના જણાવ્યા પ્રમાણે વિશ્વવ્યાપી લોકડાઉનને કારણે અનેક ખરીદનારાઓએ ઓર્ડરો કેન્સલ કરી નાખ્યા છે. યુરોપની સુપર માર્કેટોમાં વેચાણ માટે થોડા કન્સાઈનમેન્ટ મોકલાયા છે પરંતુ હોટલો અને રોસ્ટોરન્ટ બંધ હોવાથી નિકાસને મોટો ફટકો પડયો છે. નિકાસકારોના કહેવા મુજબ ભારતમાં ઘરઆંગણે ઉચ્ચ પ્રકારની માછલીઓ કે જેની કિંમત કિલોના ૨૦૦૦થી વધુ હોય છે તેના ખરીદનારા બહુ મોટા પ્રમાણમા હોતા નથી.
ઓલ ઈન્ડીયા સીફુડ એકસપોર્ટસ એસોસીએશનના પ્રમુખ જગદીશભાઈએ જણાવ્યુ હતુ કે જૂનમા માચ્છીમારીની સીઝન પુરી થતી હોય છે અને ત્યારે જ તમામ નિકાસકારો કોલ્ડ સ્ટોરેજમાંથી પોતાના સ્ટોકનો નિકાલ પણ કરી દેતા હોય છે પરંતુ આ વખતે આવુ થયુ નથી.પહેલીવાર કોલ્ડ સ્ટોરેજમાં માછલીઓનો જંગી સ્ટોક વેચાયા વગરનો પડી રહ્યો છે.તેમના કહેવા મુજબ માછલીઓ જેટલી આવે છે તેના ૩૦ ટકા જ માલ કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ થઈ શકતો નથી.દરમિયાન લોકડાઉન થયુ ત્યારથી ગુજરાતમાં માછીમારીનું કામકાજ અટકી ગયુ છે.એસોસીએશનના જણાવ્યા પ્રમાણે ૩૦ હજાર જેટલા આંધ્ર, મહારાષ્ટ્ર અને દ.ગુજરાતના માછીમારો વતન પાછા ફરી ગયા છે.આવુ સીઝન પુરી થાય તેના મહિના પહેલા જ થઈ ગયુ છે.અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ તુલસી ગોહીલ જણાવે છે કે જૂનમાં સીઝન પુરી થાય તે પહેલા સામાન્ય રીતે અમે માછીમારોને એડવાન્સમાં પેમેન્ટ કરી દેતા હોય છીએ પરંતુ આ વખતે અમારી પાસે તેમને ચુકવવા નાણા નથી.ચોમાસામાં એક બોટનું મેન્ટેનન્સ રૂ.૩ થી ૪ લાખ થાય છે.સરકારે માછીમારો માટે રાહત પેકેજ જાહેર કરવુ જોઈએ.


