વલસાડ,03 જૂન : કેન્દ્ર સરકારે લોકડાઉન દરમિયાન કેન્દ્રિય કર્મચારીઓના પેન્શનધારકોનું મોંઘવારી ભથ્થું 1 જાન્યુઆરીથી 30 જૂન 2021 સુધી બંધ કરી દેવાનો વલસાડ રેલવે મજદૂર સંઘ દ્વારા ભારે વિરોધ કરાયો છે.મંગળવારે પેન્શનઘારકો અને રેલવેના કર્મચારીઓએ દરરોજ પીએમને સામૂહિક પોસ્ટકાર્ડ મોકલવાની ઝુંબેશ શરૂ કરી દીધી હતી.રેલવેના નેશનલ સ્તરના યુનિયનોએ કેન્દ્ર સરકારના નિર્ણયનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.જેના આદેશ હેઠળ વલસાડ રેલવે મજદૂર સંઘની બ્રાંચના હોદ્દેદારોના નેજા હેઠળ રેલવેના તમામ કર્મચારીઓ અને પેન્શનધારકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટ કાર્ડ લખી બંધ કરી દેવામાં આવેલા મોંઘવારી ભથ્થાને ચાલૂ રાખવા માગ કરી છે.
આગામી 10 દિવસ સુધી પ્રતિદિન 200 પોસ્ટ કાર્ડ પીએમના નિવાસ સ્થાન ખાતે મોકલવામાં આવશે.મજદૂર સંઘની ટીમે મંગળવારથી પોસ્ટ કાર્ડ દ્વારા વિરોધ નોંધાવવાનું શરૂ કરી દીધું હતું.જેમાં રેલવે કર્મચારીઓ જોડાઇ ગયા હતા.સરકારના આ તાનાશાહીભર્યા નિર્ણય હોવાનું જણાવી કર્મચારીઓએ મોંઘવારી ભથ્થું અગાઉની જેમ ચાલૂ રાખવા માગ કરી હતી.


