સંગઠન પર બળવાખોર નગરસેવકોનું જુથ હાવી: પ્રમુખની ગેરહાજરીમાં યોજાઇ સામાન્ય સભા

300

– બળવાખોર જુથના જ ઉપપ્રમુખ મીના દવેની અધ્યક્ષતામાં મળેલી સામાન્ય સભા વિપક્ષના હોબાળા વચ્ચે પાંચ મિનિટમાં પૂર્ણ વિપક્ષે એજન્ડાની કોપી સભાખંડમાં ફેંકી વિરોધ નોંધાવ્યો

બારડોલી : બારડોલી નગરપાલિકાના બળવાખોર નગરસેવકો સંગઠન પર હાવી રહ્યા હતા. બળવાખોરો સામાન્ય સભા પ્રમુખની ગેરહાજરીમાં યોજાવામાં સફળ રહેતા તેમના જ જૂથના ઉપપ્રમુખ મીના દવેની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઇ હતી.જેમાં મીનાબેન કથા વાંચતાં હોય તેમ એજન્ડાના તમામ કામો પાંચ મિનિટમાં વિપક્ષના હોબાળા વચ્ચે મંજૂર કરી સભા પૂર્ણ થયેલી જાહેર કરી હતી.વિપક્ષે મીનાબેને ચલાવેલી સભાને લોકશાહીનું હનન ગણાવ્યું હતું.

બારડોલી નગરપાલિકામાં ચાલી રહેલ જુથવાદને લઈ સામાન્ય સભામાં ભારે હોબાળો થવાની સંભાવનાને લઈ મોવડીમંડળ પણ ચિંતામાં હતું.બળવાખોર 12 નગરસેવકોએ રાજીનામાં આપ્યા બાદ ભાજપ સંગઠન હરકતમાં આવ્યું હતું અને તેમને સમજાવાની કોશિશ કરી હતી.બળવાખોર સભ્યોએ ભ્રષ્ટાચાર અને પ્રમુખના એક મહિલા સાથેના કથિત પ્રેમપ્રકરણના વિરોધમાં તેના રાજીનામાંની માંગ કરી હતી.પરંતુ તે શક્ય ન બનતા રવિવારે તમામ 12 સભ્યો પાર્ટી હાઈકમાનને રાજીનામાં આપી દીધા હતા.સમજાવત બાદ અસંતુષ્ટોએ મંગલવારે મળનારી સામાન્ય સભામાં પ્રમુખ ગણેશ ચૌધરી હાજર નહીં રહે તેવી શરત મૂકી હતી. અને તે શરત આજની મિટિંગમાં સંગઠને માન્ય રાખી હોવાનું પ્રમુખની ગેરહાજરી પરથી સ્પષ્ટ થયું હતું.આમ 12 નગરસેવકો સંગઠન પર હાવી થઈ જતાં સંગઠનની ભૂમિકા સામે પણ પ્રશ્ન ઊભા થયા છે.બીજી તરફ મંગળવારે બપોરે 12.30 વાગ્યે પાલિકાના સભાખંડમાં ઉપપ્રમુખ મીનાબેન દવેની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઇ હતી. જેમાં તેમણે કથા વાંચતાં હોય તેમ એજન્ડાના કામોનું વાંચતાં એકધારુ કરી પાંચ મિનિટમાં સભા પૂર્ણ જાહેર કરી હતી.વિપક્ષ કોંગ્રેસ દ્વારા પૂછવામાં આવેલ ભ્રષ્ટાચાર અને ગેરરીતિના પ્રશ્નોને પણ તેમણે દરકિનાર કરી પોતાની આપખુદશાહી ચલાવી હતી. ઉપપ્રમુખ મીના દવે પણ જિલ્લા સંગઠન મહામંત્રી મહેશ વસાવા જૂથના હોય સામેના જુથ પર પણ હાવી રહ્યું હોવાનું સ્પષ્ટ દેખાઈ આવ્યું હતું.સભા દરમ્યાન વિપક્ષ કોંગ્રેસ દ્વારા અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા પરંતુ મીના દવેએ તેનો કોઈ જવાબ આપ્યો ન હતો.આથી ઉશ્કેરાયેલા કોંગ્રેસના નગરસેવકોએ એજન્ડાની કોપી સભાખંડમાં ફેંકી વિરોધ દર્શાવ્યો હતો.

જે લોકો ભ્રષ્ટાચારનો આરોપ મુકતા હતા તેમણે જ તમામ હિસાબો મંજૂર કરી દીધા

બળવાખોર જે કથિત ભ્રષ્ટાચારની વાતો કરી રાજીનામા આપવા નીકળ્યા હતા તે જ દવાના બિલો સહિતનો હિસાબ તેમના જ જુથના મીનાબેન દવેની અધ્યક્ષતામાં મળેલી સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવ્યો હતો અને તેમણે તેને મંજૂર પણ કરી દીધો હતો.પોતાના વ્યક્તિગત સ્વાર્થ સંતોષાય જતાં બળવાખોરો પણ જેમના પર ભ્રષ્ટાચારનો આરોપ મૂકતા હતા તેની સાથે બેસી ગયા હોવાની ચર્ચાએ પાલિકા પરિસરમાં જોર પકડ્યું હતું.

બળવાખોરોનો કોંગ્રેસ સાથે મળી તખ્તાપલટનો પ્લાન હતો?

ભાજપના આંતરિક સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર બારડોલીના 12 બળવાખોર સભ્યોએ ગત મોડીરાત્રે કોંગ્રેસના નગરસેવકો સાથે ખાનગીમાં બેઠક કરી મંગળવારની સામાન્ય સભામાં તખ્તા પલટની તૈયારી કરી દીધી હતી.કોંગ્રેસના સભ્યો સાથે સત્તા પર બેસવા માટેનો પ્લાન બનાવી દેવામાં આવ્યો હતો.આ પરંતુ આ વાતની ગંધ જિલ્લા અને નગર સંગઠનને થતાં જ તેમણે તાત્કાલિક સંકલનની બેઠક બોલાવી હતી અને નારાજ સભ્યો સહિત તમામને પ્રદેશના નેતાઓએ વિડીયો કોંફોરન્સથી બરાબર તતડાવ્યા હતા. દરમ્યાન નગરપાલિકામાં પક્ષની છબી ન ખરડાય તે માટે સંગઠને બળવાખોરોની શરતને માની પ્રમુખ ગણેશ ચૌધરીને ગેરહાજર રાખવાનું નક્કી કર્યું હોવાનું જાણવા મળે છે.

મીના દવેનો હાસ્યાસ્પદ જવાબ, ભ્રષ્ટાચારની તપાસ પાર્ટી કરશે

સામાન્ય સભાના અધ્યક્ષ મીના દવેએ સભા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં ભ્રષ્ટાચાર મુદ્દેના હાસ્યાસ્પદ જવાબો આપ્યા હતા.તેમણે ભ્રષ્ટાચારના આરોપોની પાર્ટીના કાર્યકરો તપાસ કરી રહ્યા હોવાનું જણાવ્યુ હતું.ભ્રષ્ટાચાર નગરપાલિકામાં થયો અને તેની તપાસ અધિકારીઓએ કરવાની જગ્યાએ ભાજપાના કાર્યકરો કરશે એવી તેમનું કહેવું હતું.તેમના આવો ઉત્તર નગરપાલિકા પરિસરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.તેમણે જણાવ્યુ હતું કે ભ્રષ્ટાચારએ અમારા પરિવારનો મુદ્દો છે. ભ્રષ્ટચારનો મામલો પાર્ટીના તપાસનો વિષય છે પાર્ટીએ જે કાર્યકરોને જવાબદારી સોંપી છે તે લોકો તપાસ કરશે.રાજીનામાં અંગેના પ્રશ્નમાં તેમણે પાર્ટીને સમજાવ્યા બાદ અમે પાર્ટીથી ઉપર ન જઇ શકીએ.પાર્ટી અમારાથી સર્વ માન્ય છે.એમ જણાવ્યુ હતું.

સામાન્ય સભામાં જવાબ ન આપવા લોકશાહીનું હનન: વિપક્ષ નેતા

નગરપાલિકાના વિપક્ષ નેતા કલ્પના પટેલે જણાવ્યુ હતું કે, માત્ર પાંચ મિનિટમાં સભા આટોપી લીધી એ યોગ્ય નથી. અમારા પ્રશ્નોનો કોઈ જવાબ આપ્યો નથી.આ લોકશાહીનું હનન જ કહેવાય.

પોલીસ બંદોબસ્ત સાથે સામાન્ય સભા શરૂ કરાય

બારડોલી નગરપાલિકાની સામાન્ય સભા આજે તોફાની બનવાના એંધાણ હતા.જેને કારણે પાલિકા ચીફ ઓફિસર દ્વારા અગાઉથી પોલીસ બંદોબસ્ત પણ માંગી લેવાયો હતો.નગરપાલિકાની સામાન્ય સભા પોલીસ બંદોબસ્ત સાથે યોજાઇ હતી.

Share Now