વલસાડ, 04 જૂન : પાલિકા કચેરી પરિસરમાં નાગરિકોની વિવિધ અરજીઓ હેઠળના કામો કરવા માટે સિવિક સેન્ટર કાર્યરત છે.આ સેન્ટરની ઓફિસમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે મોગરાવાડીની પ્રમુખગ્રીન સોસાયટીમાં રહેતો મનિષ નટવરભાઇ સોલંકી ફરજ બજાવે છે.જે પાલિકામાં લગ્ન,જન્મ,મરણ જેવા વિવિધ કામ માટે નાગરિકોની આવતી અરજીઓ હેઠળ પ્રમાણપત્રોની કમ્પયુટર નકલો આપવામાં આવે છે.દરમિયાન શહેરના એક અરજદારે લગ્નની નોંધણી કરવા માટે સિવિલ સેન્ટરમાં બે અલગ અલગ અરજી કરી હતી.ત્યારબાદ 21 મે ના રોજ વલસાડ નગરપાલિકા દ્વારા ઓનલાઇન સિસ્ટમ હેઠળ અરજદારને તેમની અરજી સંદર્ભે લગ્નની નોંધણી થઇ ગઇ છે તે બાબતે મોબાઇલ ઉપર ટેક્સ મેસેજ મોકલાયો હતો.દરમિયાન કમ્પ્યુટર ઓપરેટર મનિષ સોલંકીએ અરજદાર ફરિયાદીના મોબાઇલ ઉપર કોલ કરી લગ્ન નોંધણી સર્ટિફિકેટ લઇ જવા તથા અરજી દીઠ500 પેટે બે અલગ અલગ અરજીઓના 1 હજારની લાંચની માગણી કરી હતી.લાંચની રકમ આપવા નહિ માગતા અરજદારે આ મામલે વલસાડ ડાંગ એસીબી પોલિસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે એસીબી પીઆઇ ડી.એમ.વસાવા અને પીઆઇ પી.ડી.બારોટની ટીમે 3 જૂન બુધવારે નગરપાલિકાના સિવિક સેન્ટરની ઓફિસમાં જ છટકું ગોઠવી કર્મચારીને અરજદાર પાસેથી 1 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડી ધરપકડ કરાઇ હતી.