વલસાડ,12 જૂન : ડાંગના ગીરીમથક સાપુતારામાં 4 જૂનનાં રોજ વિદેશથી આવેલા 108 નાગરિકોને રાજ્ય સરકારનાં આદેશથી ક્વોરોન્ટાઈન કરાવામાં આવ્યા હતા. જેમનો ક્વોરોન્ટાઈન પિરિયડ પૂર્ણ થતા તમામને ઘરે પરત જવા માટે રજા આપવામાં આવી હતી.જેથી લોકડાઉનમાં ફસાયા બાદ ઘરે પ્રથમ વખત પરત જવાનો મોકો મળતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
ડાંગ પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના વૈશ્વિક મહામારીનાં પગલે લોકડાઉન જાહેર કરતા વિદેશમાં અભ્યાસ અથવા નોકરી માટે ગયેલા ગુજરાત રાજયનાં નાગરિકો ફસાયા હતા. તેમજ અન્ય દેશોમાં પણ કોરોનાની સ્થિતિ ભયાવહ બનતા દેશનાં ફસાયેલા નાગરિકોની સ્થિતિ વિકટ બની હતી.ત્યાર બાદ અન્ય દેશોમાં ફસાયેલા નાગરિકોને સરકાર દ્વારા પરત લાવવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.
જેમાં ગુજરાત રાજ્યનાં મૂળ વતની અને વિદેશમાં દુબઈ અને કુવૈત ખાતે નોકરી કરતા 108 જેટલા ગુજરાતી નાગરિકો પણ કોરોનાની વૈશ્વિક મહામારીનાં લોકડાઉન દરમિયાન ફસાયા હતા.જેમને ગુજરાત સરકાર દ્વારા થોડા દિવસ પૂર્વેજ અમદાવાદ એરપોર્ટ ખાતે ઉતાર્યા બાદ પાંચ એસટી બસો મારફતે ગાઈડલાઈન મુજબ રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતેનાં પુર્ણા ડોરમેટરીનાં ગેસ્ટહાઉસમાં ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા હતા.તમામ વિદેશી નાગરિકોનો 7 દિવસનો કોવોરોન્ટાઈન પિરિયડ પૂરો થતા ગુરુવારે દરેકને રજા આપવામાં આવી હતી.સાપુતારા ખાતે વિદેશથી આવેલા નાગરિકોને કવોરોન્ટાઈન દરમિયાન કોઈ અગવડ ન પડે તે માટે ડાંગ વહીવટી તંત્ર સહિત પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી હતી.તેમજ ગુજરાત ટુરીઝમ સાપુતારા દ્વારા આ તમામ નાગરિકોને સાત દિવસ સુધી ભોજન સહિત સુલભ વ્યવસ્થાઓ પૂરી પડાતા આ તમામ નાગરિકોએ ડાંગ વહીવટી તંત્રની પ્રસંશા કરી હતી.