વલસાડ 13 જૂન : વલસાડ નગરપાલિકાના જૂના ડ્રેનેજ પ્લાન્ટના રૂ. 2.33 લાખના ભંગાર પ્રકરણમાં તપાસ કરી કસુરવારો સામે કાર્યવાહી કરવા અપક્ષ સભ્યો દ્વારા એસપીને ફરિયાદ અરજી કરવામાં આવી છે.આ પ્રકરણમાં ભંગાર સગેવગે થયું હોવાની શંકાના પગલે કસુરવારો સામે સંપૂર્ણ તપાસ હાથ ધરવા માગ કરાઇ છે. પાલિકાના ભંગાર પ્રકરણમાં સીઓ જે.યુ.વસાવાએ ડ્રેનેજ ઇજનેર કેયુર રાઠોડને નોટિસ જારી કરી ભંગારના નિકાલ માટેની તમામ પ્રક્રિયા તથા કયા કર્મચારીને કામગીરી સોંપાઇ હતી તેવી વિગતો 7 દિવસમાં રજૂ કરવા તાકીદ કરી હતી.ભંગારના વેચાણ બાદ છેલ્લા 8 માસથી રકમ પાલિકામાં જમા કરવામાં આવી નથી.જેથી તપાસ કર્યા વિના પેમેન્ટ ન સ્વીકારવામાં આવે તેવી માગ ઉઠી છે.આ પ્રકરણમાં વિરોધ પક્ષના અપક્ષના 5 સભ્ય રાજુ મરચા,ઝાકિર પઠાણ,નિતેશ વશી,રમેશ પટેલ અને યશેષ માલીએ એસપીને લેખિત રજૂઆત કરી ભંગાર સગેવગે કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે સંપૂર્ણ તપાસ કરવાની માગ કરી છે.જેમાં ડ્રેનેજ પ્લાન્ટના ભંગાર ટ્રકમાં ભરીને સગેવગે કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે.આ પ્રકરણમાં તપાસ હાથ ધરવા તથા હજી કોઇ હોદ્દેદાર કેલાગતાવળગતા અધિકારી સામે કોઇ કાર્યવાહી ન કરાતાં શંકા ઘેરી બની રહી છે.જેના પગલે અપક્ષ સભ્યોએ એસપી સાથે ચીફ ઓફિસરને પણ રજૂઆત કરાઇ છે.