નવી દિલ્હી,તા. 18 : ગઇકાલે ભારત અને ચીન વચ્ચેની સરહદી ટક્કરના અહેવાલ બાદ અને ખાસ કરીને ભારતના 20 સૈનિકોની ચાઈનીઝ સેનાએ હત્યા કરી છે તેવા અહેવાલ આવતા જ દેશભરમાં આક્રોશ છવાઈ ગયો હતો પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અત્યંત રાહ જોવડાવ્યા બાદ જે પ્રતિભાવ આપ્યો તે ચીન કરતાં ભાજપના લોકો માટે વધુ હતો તે નિશ્ચિત હતું.
વાસ્તવમાં વડાપ્રધાનનો પ્રતિભાવ અને દેશ સૈનિકોની શહીદી એળે જવા દેશે નહીં તેવા વિધાનો કરીને ભારતના લોકોને શાંત પાડવા પ્રયત્ન કર્યો પણ પક્ષના આંતરિક સુત્રો કહે છેકે જે પ્રકારે આ ઘટના બહાર આવી તે તૂર્ત જ ભાજપના પ્રવક્તાઓ અને નેતાઓને ચીન વિરુધ્ધ કોઇ સીધો મોરચો ન માંડી દેવા સૂચના હતી અને ખાસ કરીને ઉશ્કેરણીજનક વિધાનો નહીં કરવાનો આદેશ હતો.ભૂતકાળમાં પાકિસ્તાન અને ચીનને દેખાડી દેવાની ભાષા ભાજપના નેતાઓ બોલતા હતા પણ હવે પ્રમુખ જે.પી. નડ્ડાએ પણ ફક્ત એટલું જ કહ્યું કે ભાજપ શાસનમાં દેશની સરહદો સલામત છે,આપણે બહાદુર સૈનિકો ગુમાવ્યા છે.
હું તેમને શ્રધ્ધાંજલી આપું છું.મોદીના નેતૃત્વમાં ભારતની પ્રાદેશિક એકતા અને અખંડીતતાને હાની નહીં પહોચે તેવી ખાતરી છે અને આપણું સૈન્ય પણ સુસજ્જ છે. આમ રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ભાજપે ઇરાદાપૂર્વક કોઇ મોટી મોટી વાતો ન થઇ જાય તે ધ્યાન રાખ્યું હતું.અને તેની કેડરને પણ આવો જ સંદેશો મોકલી દીધો હતો.અગાઉ ડોકલામ સમયે પણ ભાજપને આવી જ રીતે ચૂપ રહેવાની સૂચના હતી અને રાષ્ટ્રીય સ્તરે પણ કોઇ જોઇ લેવાની ધમકી ન આપે તે જણાવાયું હતું.