વલસાડ : ગુજરાતીમાં એક કહેવત છે કે, ‘સંસ્કારોને આવતા પણ વર્ષો લાગે છે અને જતા પણ વર્ષો લાગે છે.’ વલસાડ ખાતે રહેતી ગુજરાતની એક દીકરીએ તેના બેંક ખાતામાં ભૂલથી જમા થયેલા આશરે 19 લાખ રૂપિયા જેટલી મતબર રકમ મૂળ માલિકને આપીને પોતાના સંસ્કારો ઝળકાવ્યા છે.નવસારીના ખેરગામના પ્રફુલભાઈ શુક્લની વલસાડ ખાતે રહેતી દીકરી બંસરીના ખાતા ભૂલથી આશરે 25 હજાર અમેરિક ડોલર (US Dollar) જમા થઈ ગયા હતા.આ અંગેની જાણ બંસરીએ બેંકને કરી હતી.
ભૂલથી 19 લાખ જેટલી રકમ જમા થઈ
મળતી માહિતી પ્રમાણે બંસરી જાનીના વસલાડ ખાતે આવેલી બેંક ઓફ ઇન્ડિયા (Bank of India)ની બ્રાંચમાં 20 દિવસ પહેલા 19 લાખ જેટલી રકમ જમા થઈ હતી. પોતાના ખાતામાં અચાનક આટલી મોટી રકમ જમા થતાં બંસરી ચોંકી હતી અને તેણે તાત્કાલિક પતિની મદદથી બેંકના મેનેજરનો સંપર્ક કર્યો હતો અને આ રકમ તેની ન હોવાનું જણાવ્યું હતું. જે બાદમાં બેંક તરફથી તપાસ કરવામાં આવી હતી.
તપાસ બાદ માલુમ પડ્યું હતું કે અમેરિકા ખાતે રહેતા મિતુલભાઈ પટેલે ભૂલથી તેમના ખાતામાં આ રકમ જમા કરાવી દીધી હતી.આ રકમ પોતાની ન હોવાથી બંસરીએ બેંકને આ રકમ રિકોલ કરી દેવાની વિનંતી કરી હતી.જે બાદમાં આ રકમ મૂળ માલિકને પરત કરવામાં આવી હતી.બંસરીના આવા સંસ્કારો જોઈને અમેરિકાથી મિતુલભાઈ અને ડિમ્પલબેન પટેલે બંસરીને ફોન કરીને ખાસ તેનો આભાર માન્યો હતો.


