નવી દિલ્હી, તા. 26 જૂન 2020, શુક્રવાર
કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કૈટ)એ ચીની વસ્તુઓના બહિષ્કારના પોતાના રાષ્ટ્રીય અભિયાન ‘ભારતીય સામાન, અમારૂં અભિમાન’ અંતર્ગત એક પગલું આગળ વધીને આજે દેશના વેપારીઓ અને લોકોને આ વર્ષની દિવાળી મોટા પાયે ‘હિંદુસ્તાની દિવાળી’ તરીકે ઉજવવા વિનંતી કરી છે.કૈટના કહેવા પ્રમાણે તમામ ભારતવાસીઓ આ વર્ષની દિવાળીમાં કોઈ પણ ચીની વસ્તુઓનો ઉપયોગ ન કરવાનો સંકલ્પ લે.
વધુમાં જણાવ્યું કે, દેશના વેપારીઓ ચીન અને ચીની વસ્તુઓના વિરોધમાં ખૂબ જ મજબૂતાઈપૂર્વક વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને દેશની સેના સાથે ઉભા છે જેથી ચીની વસ્તુઓ કે ચીની કંપનીઓ સાથેના કરાર કોઈ પણ રીતે દેશના વેપારને વધુ પ્રદૂષિત ન કરે તે સુનિશ્ચિત થઈ શકે.
કૈટ એ જણાવ્યું કે,આ વર્ષની દિવાળી વખતે આપણા દેશની માટીમાંથી બનેલા દીવા અને માટીની મૂર્તિઓ,સજાવટનો સામાન,ભારતમાં બનેલા બલ્બ અને ઝાલર તથા અન્ય વસ્તુઓનો ઉપયોગ જ કરવામાં આવશે.
આ જ રીતે રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા અન્ય તહેવારો પણ ફક્ત ભારતીય વસ્તુઓનો ઉપયોગ કરીને ભારતીય સંસ્કૃતિને અનુરૂપ મનાવવામાં આવશે.દેશનો કોઈ વેપારી ભારતમાં કોઈ પણ જાતના ચીની સામાનનું વેચાણ નહીં કરે.
કૈટે વેપારીઓને ચીનથી સામાન આયાત ન કરવા વિનંતી કરી હતી અને કોઈ વેપારી પાસે આવો કોઈ ચીની સામાનનો સ્ટોક હોય તો તેને 15મી જુલાઈ સુધીમાં વેચી દેવા જણાવ્યું હતું.ચીની વસ્તુઓની ખરીદી કરવા લોકો જે ખર્ચો કરે છે તે ધનનો ઉપયોગ ચીન આપણી સેનાની વિરૂદ્ધ કરે છે અથવા તો પાકિસ્તાન દ્વારા ભારતમાં આતંકવાદી ગતિવિધિઓના સંચાલનમાં પાકિસ્તાનની મદદ કરે છે.
કૈટના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી બી.સી. ભરતિયા અને રાષ્ટ્રીય મહામંત્રી શ્રી પ્રવીણ ખંડેલવાલે સંયુક્ત નિવેદનમાં કહ્યું કે,છેલ્લા કેટલાક વર્ષોથી આપણા ભારતીય તહેવારોમાં ચીની વસ્તુઓની ઘૂસણખોરી વધી ગઈ છે જે દેશના વિશાળ હિતને ધ્યાનમાં રાખીને રોકવું ખૂબ જરૂરી છે.લદ્દાખ સરહદ પર ચીન આક્રમકરૂપથી પોતાની સેના તૈનાત કરી રહ્યું છે અને ભારતને પોતાની સેનાઓ વડે ઘેરવા પાડોશી દેશ નેપાળમાં પોતાનો અડ્ડો બનાવી રહ્યું છે તેવા સમયે ચીની વસ્તુઓના બહિષ્કારનું અભિયાન જ ચીન માટે યોગ્ય જવાબ હશે.
બંનેએ કેન્દ્ર અને અનેક રાજ્યોની સરકારની પ્રશંસા કરી હતી અને દેશમાં ચીની સામાનના પ્રવેશ પર પ્રતિબંધ મુકવા અથવા ચીની કંપનીઓને આપવામાં આવેલા વિવિધ કરારો હાલ સ્થગિત કરવાના સરકારના નિર્ણયોને યોગ્ય ઠેરવ્યા હતા.