GSTની ત્રીજી વરસી : ટેક્સ્ટાઇલ માર્કેટની ૫ હજાર દુકાન બંધ, પ્રોડક્શન ૪૦ ટકા ઘટયું

299

– ૪.૧૦ કરોડ મીટરના કાપડનું પ્રોડકશન ઘટીને ૨.૫૦ કરોડ મીટર થયું

સુરત : જીએસટી લાગુ કરાયાના ત્રણ વર્ષ પૂરા થવાના છે ત્યારે સરકારી અધિકારીઓની આડોડાઇ અને અમલીકરણમાં છાશવારે નિયમો બદલવાને કારણે વેપારીઓ માટે આ કાયદો રોજગારી વધારવાના બદલે રોજગારી ઘટી રહ્યાનંુ ચિત્ર ઉપસી રહ્યું છે.કારણ કે જીએસટી લાગુ થયા બાદ ઉદ્યોગો દ્વારા કરાયેલા એક સર્વેમાં ટેક્સ્ટાઇલ માર્કેટમાં ૫૦૦૦ દુકાન બંધ થઇ છે.તેજ રીતે ૫૦ મિલ, ૪૦ ટકા લૂમ્સના કારખાનામાં પ્રોડકશન લોસ,એમ્બ્રોઇડરીમાં ૪૦ હજાર મશીન ભંગારમાં વેચવાની નોબત અને ઘરે બેસીને કામ કરતી અંદાજિત બે લાખથી વધુ મહિલાઓએ અન્ય રોજગારી શોધવાની નોબત આવીને ઊભી છે.

૧ જુલાઇ ૨૦૧૭ના રોજ અલગ અલગ ટેક્સ કાઢીને જીએસટી લાગુ કરવામાં આવ્યો હતો. જીએસટી લાગુ કરવામાં આવ્યો ત્યારે ઇન્સ્પેકટરરાજ ખતમ થઇ જશે અને વેપારીઓને રાહત મળશે.રિટર્ન ભરવામાં સરળીકરણ લાવવામાં આવશે તેવી મોટી મોટી વાતો કરવામાં આવી હતી.પરંતુ ત્રણ વર્ષના અંતે આ તમામ વાતો કાગળ પર જ રહેવા પામી છે.કારણ કે અધિકારીઓની આડોડાઇને કારણે વેપારીઓની પરેશાની દૂર થવાના બદલે દિન પ્રતિદિન તેમાં વધારો જ થઇ રહ્યો છે. તેમાં પણ વેપારીઓ એક નિયમ સમજે ત્યાં બીજો નિયમ લાવી દેવામાં આવે છે.જેથી તેના માટે વેપારીઓએ ફરીથી મથામણ કરવાની સ્થિતિ આવીને ઊભી રહે છે.

– ‘એક રાષ્ટ્ર, એક કર’ના સિદ્ધાંત પર લાગુ કરાયેલા જીએસટીથી વ્યાપાર ઉદ્યોગની કઠણાઈ અનેકગણી વધી ગયાની કાગારોળ છે.. વિવિધ ઉત્પાદન શ્રાૃંખલાઓમાં જુદા-જુદા તબક્કે જીએસટીની વિસંગતતાનું માળખું ફક્ત સરકારને ફાયદો કરાવનારું છે.. સરકારના વિધ્વાન અધિકારીઓ લાગુ થયેલો એક નિયમ સમજાય તે પહેલા તેમાં સુધારા કરે છે અને ૩ વર્ષમાં થયેલા આવા સુધારાનો સરવાળો અધધ ૪૫૦થી વધુ છે.. થયેલા સુધારાથી પ્રક્રિયા સરળ થવાને બદલે વધુને વધુ જટિલ બનવાથી આજે સ્થિતિ એ છે કે ધંધો કરવો કે કાગળિયા તે સમજાતું નથી..

-છેલ્લા ૩ વર્ષમાં ૪૫૦થી વધુ સુધારા અત્યાર સુધી કરાયા

જીએસટી લાગુ થયા બાદથી અત્યાર સુધીમાં જીએસટી વિભાગે અથવા તો કાઉન્સિલે ૪૫૦ જેટલા સુધારા કરવાની ફરજ પડી છે. કારણ કે જીએસટી લાગુ થયા બાદ વેપારીઓએ ભારે વિરોધ કર્યો હતો. તેમજ સુરતમાં તો આ મુદ્દે આંદોલન પણ કરવામાં આવ્યું હતંુ. છેવટે વેપારીઓને થોડી ઘણી રાહત આપવામાં આવે તે પ્રમાણેના નિર્ણય કરવામાં આવ્યા હતા. તેના ભાગરૂપે અત્યાર સુધી ૪૫૦ નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે. જ્યારે આગામી દિવસોમાં પણ આ સુધારા કરીને સરળીકરણ કરવાની વાતો કરવામાં આવી રહી છે.

– વીવર્સને ૬૫૦ કરોડની ક્રેડિટ આપવાનો વિવાદ હજુ યથાવત

વીવર્સની જીએસટીમાં ૬૫૦ કરોડની જમા ક્રેડિટ છે. આ ક્રેડિટનો વિવાદ થતા દિલ્હી ખાતે સુરતના બંને સાંસદોની આગેવાનીમાં પ્રતિનિધિ મંડળ જઇને રજૂઆત કરી હતી.ત્યારે નાણામંત્રી તરીકે પીયૂષ ગોયલે તેઓની ક્રેડિટ કેરીફોરવર્ડ કરી આપવાની હૈયાધરપત આપવામાં આવી હતી.પરંતુ તેના બદલે ક્રેડિટ કેરીફોરવર્ડ નહીં થતા વીવર્સોએ હાઇકોર્ટમાં રિટ પિટિશન કરી હતી.તેમાં વીવર્સની જીત થતા જીએસટી વિભાગે ૬૫૦ કરોડની ક્રિડેટ નહીં આપવી પડે તે માટે હાલમાં સુપ્રીમ કોર્ટમાં સમગ્ર કેસ ચાલી રહ્યો છે.

– મહિને દંડ પેટે જ ૩૦ કરોડથી વધુની વસૂલાત

જીએસટીની ૩બી રિટર્ન દર મહિનાની ૨૦ તારીખે ભરવાનંુ હોય છે. પરંતુ છેલ્લા બે દિવસતો સર્વર એટલું ધીમું ચાલતુ હોય છે કે કેટલાય વેપારીઓ સમયસર રિટર્ન ભરી શકતા નથી. તેના કારણે તેઓએ એક દિવસના ૫૦ રૂપિયા લેખે લેટ ફી ભરવાની હોય છે. જ્યારે ૨૦ તારીખ બાદ પણ એકાદ બે દિવસ સર્વરની સમસ્યા ઉકેલાતી નથી. જેથી વેપારીએ ચારથી પાંચ દિવસની લેટ ફી ભરવાની થતી હોય છે. આ ગણતરી કરવામાં આવે તો પણ દર મહિને વેપારીઓ પાસેથી જીએસટી વિભાગ લેટ ફી પેટે જ ૩૦ કરોડથી વધુની રકમ વસૂલી લે છે.

Share Now