નવી દિલ્હી, તા. 1. જુલાઈ, 2020 બુધવાર
ભારત અને નેપાળ વચ્ચે સીમા વિવાદના કારણે સબંધોમાં ખટાશ આવી છે.હજી પણ નેપાળના પીએમ ઓલી રોજે રોજ ભારત વિરોધી કાર્યવાહી કરવાની અલગ અલગ જાહેરાતો કરી રહ્યા છે.જાણકારોનુ માનવુ છે કે, ભારત સાથેના નેપાળના સબંધો ખરાબ કરવામાં ચીનની ઉશ્કેરણી જવાબદાર છે.ભારતના સેના અધ્યક્ષ જનરલ નરવણેએ તો થોડા વખત પહેલા ચીનનુ નામ લીધા વગર આવુ નિવેદન પણ આપ્યુ હતુ.
જાણકારોના કહેવા પ્રમાણે નેપાળને ચીનની નજીક લાવવામાં નેપાળમાં ચીનના મહિલા રાજદૂત હોઉ યાન્કીએ બહુ મોટો ભાગ ભજવ્યો છે.તેમણે ભારતના આ આક્ષેપનો ગઈકાલે નેપાળના એક અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં જવાબ આપતા કહ્યુ હતુ કે, નેપાળે જે પણ કાર્યવાહી કરી છે તે પોતાના દેશના લોકોની લાગણી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરી છે.ચીનના ઈશારા પર નેપાળે કાર્યવાહી કરી છે તેવો આરોપ લગાવનારા લોકો નેપાળ અને ચીનના સબંધોને નુકસાન પહોંચાડવા માંગે છે.
ચીનના રાજદૂત હોઉ યાન્કી ચીનમાં ભારે સક્રિય પણ છે.નેપાળમાં ઘણા કાર્યક્રમોમાં તેઓ લોકો વચ્ચે હાજર જોવા મળે છે.નેપાળના ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે તેમણે ફોટો સેશન પણ કરાવેલુ છે.
યાન્કીને નેપાળના રાજકારણમાં બહુ રસ છે.ભૂતકાળમાં તે ઓલી સરકારને સંકટમાંથી બહાર લાવવામાં મદદ પણ કરી ચુકી છે.2018માં નેપાળમાં તેમની નિમણૂંક થયા બાદ ચીન અને નેપાળ વચ્ચે નિકટતા વધી છે તે સ્પષ્ટ પણે દેખાય છે.
નેપાળમાં કોરોનાના સંકટ વચ્ચે ચીન તરફથી લોકોને રાહત પહોંચાડવા માટે પણ યાન્કી સક્રિય જોવા મળી રહ્યા છે.નેપાળના વિભન્ન મંત્રાલયોમાં પણ તેમની હાજરી નજરે પડતી હોય છે.તેઓ લોકડાઉન દરમિયાન પણ વિડિયો કોન્ફરન્સથી નેપાળના વિવિધ મંત્રાલયો સાથે સંપર્કમાં રહેતા હોય છે.
હોઉ યાન્કી 1996થી ચીનના વિદેશ વિભાગમાં છે.તે અમેરિકામાં ચીનના કોન્સ્યુલેટ જનરલ પણ રહી ચુક્યા છે.તેઓ અંગ્રેજી અને ચીની ઉપરાંત હિન્દી અને ઉર્દુ ભાષા પણ જાણે છે.નેપાળી ભાષા પણ તેમણે શીખી લીધી છે.