બિહાર વિધાનસભાની ચૂંટણીમા નીતિશ કુમારની જેડીયુ કરતાં વધારે બેઠકો જીતવા ભાજપે કમર કસી છે.ભાજપે નીતિશ કુમારને મુખ્યમંત્રીપદના ઉમેદવાર તરીકે સ્વીકાર્યા છે પણ હાઈકમાન્ડ ઈચ્છે છે કે,ભાજપ જેડીયુ કરતાં વધારે બેઠકો જીતે કે જેથી ચૂંટણી પછી જેડીયુના પડછાયામાંથી બહાર નિકળીને પોતાની તાકાત પર સરકાર રચવાનો વિકલ્પ ખુલી જાય.
હાઈકમાન્ડની વ્યૂહરચના પ્રમાણે બિહારમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરે એ માટેની તૈયારી અત્યારથી શરૂ કરી દેવાઈ છે.આ વ્યૂહરચનાના ભાગરૂપે ભાજપે સોશિયલ મીડિયાની તાકાત પર જંગ લડવાનું નક્કી કર્યું છે.
ભાજપે બિહારમાં કરી 60 વર્ચ્યુઅલ રેલી
ભાજપે પહેલાં બિહારમાં 60 વર્ચ્યુઅલ રેલી કરી અને હવે 9500 શક્તિકેન્દ્ર પર આઈ.ટી. સેલ હેડ નિમ્યા છે.આ આઈ.ટી. સેલ હેડને જ ભાજપ દર મહિને સો કરોડ રૂપિયા પગાર ચૂકવશે.જુલાઈથી ડીસેમ્બર સુધી છ મહિના માટે તેમને જ પગાર પેટે છસ્સો કરોડ ચૂકવાશે.
ભાજપ સોશિયલ મીડિયા કેમ્પઈન પાછળ કુલ 2000 કરોડ રૂપિયા ખર્ચશે એવું ભાજપનાં સૂત્રો કહે છે.અત્યારથી આઈ.ટી. સેલે સોશિયલ મીડિયા પર ઝંઝાવાતી પ્રચાર શરૂ કરી દીધો છે.