અમદાવાદ : નાણાંકીય કટોકટી સામે ઝઝૂમી રહેલ યસ બેન્ક માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે.ભારતની સૌથી મોટી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા યસ બેન્કમાં આશરે રૂ.1760 કરોડનું રોકાણ કરવા જઈ રહી છે.યસ બેન્ક ફંડ એકત્ર કરવા માટે ફોલોઓન પબ્લિક ઓફર લાવી છે જેના થકી આ નાણાં યસ બેન્કમાં ઠાલવવામાં આવશે.
એસબીઆઇએ એક નિવેદનમાં કહ્યું કે સેન્ટ્રલ બોર્ડની એક્ઝિક્યુટિવ કમિટીએ આ રોકાણને મંજૂરી આપી છે.અગાઉ મંગળવારે યસ બેંકના બોર્ડે માર્કેટમાંથી 15 હજાર કરોડ એકત્ર કરવા માટે એફપીઓ જારી કરવાની મંજૂરી આપી હતી.યોજના અંતર્ગત ગ્રાહકોને બજાર કિંમત કરતા સસ્તા દરે યસ બેન્કના શેર ખરીદવાની તક મળશે.મીડિયા અહેવાલો અનુસાર આ શેરોની કિંમત 40-45 ટકા જેટલી ઓછી હોઈ શકે છે.
યસ બેંકમાં એસબીઆઈ સહિત અન્ય બેન્કો અને નાણાકીય સંસ્થાઓનો હિસ્સો લગભગ 66.94 ટકા છે.જેમાં એસબીઆઈનો મહત્તમ હિસ્સો 48.21 ટકા, આઈસીઆઈસીઆઈ બેંક 7.95 ટકા અને એક્સિસ બેન્કનો 4.78 ટકા છે.યસ બેન્ક 15 જુલાઈ સુધીમાં તેનો એફપીઓ જારી કરી શકે છે.