રાજકોટ,તા.૨૦
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખાસ કરીને જુનિયર ડોક્ટર કોઇ પણ દર્દીને હાથ અડાડયા વગર માત્ર દર્દી જે બોલે તેના અધારે દવા લખી નાખતા હોય છે. જેથી અવારનવાર દર્દીઓના સગાઓ અને ડોક્ટરો વચ્ચે ઘર્ષણ થતું રહે છે તેનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ડોક્ટરે તપાસ્યા કે જોયા વગર જ કાનના દુખાવાની દવા લખી આપતી દર્દી અને મહિલા ડોક્ટર ઝઘડયા હતા.
સિવિલ હોસ્પિટલમાં ગત રાત્રીના ૧૦ વાગ્યે કાનના દુખાવાની તકલીફ સાથે એક દર્દી ઈમરજન્સી વિભાગમાં આવ્યા હતા. ત્યાંથી આ દર્દીના રિપોર્ટ કરીને પાંચમા માળે ઈએનટી વિભાગમાં જવા કહ્યું હતું. દર્દી અને તેની સાથે આવેલા લોકો પાંચમા માળે ગયા હતા. જ્યાં મહિલા ડોક્ટરોએ દર્દીને હાથ અડાડયા કે તપાસ કર્યા વગર જ દવા લખી આપી હતી. દર્દીઓના સગાઓએ પરત આવી ડોક્ટરને સરખા તપાસીને દવા આપવા કહ્યું હતું તો સામે મહિલા તબીબે હાથ નહીં લગાડે તો પણ દવા લખાશે તેમ કહ્યું હતું. મહિલા તબીબે ઉદ્ધતાઈભર્યુ વર્તન કરતા ત્યાં હાજર એક યુવાને મોબાઇલ કાઢીને વીડિયો શરૂ કર્યો તો મહિલા તબીબે મોબાઈલ ઝૂંટવવાનો પ્રયાસ કરતા મામલો બિચક્યો હતો. તબીબોએ સિક્યુરિટીને જાણ કરી પોલીસ બોલાવવા કહ્યું હતું. જો કે દર્દીના સ્નેહીજનો ત્યાંથી નીકળી ગયા હતા. ડોક્ટરના આ વર્તન અંગે ઈન્ચાર્જ તબીબ અધિક્ષક ડો.ગોસ્વામીને જાણ કરતા તેમણે તપાસ કરીને વિભાગના વડા પાસે રિપોર્ટ મગાશે તેમ જણાવ્યું હતું.
સિવિલમાં તપાસ્યા વગર જ કાનના દુખાવાની દવા લખી આપતા દર્દી અને ડોક્ટર ઝઘડયા
Leave a Comment