નવી દિલ્હી,તા. 13 : રાજ્યો અને શહેરો ટૂંકા લોકડાઉનના આશરો લઇ રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારમાં 31 જૂલાઈ પછી વધુ ‘અનલોક’ કઇ રીતે કરવું તેની વિચારણા ચાલી રહી છે.સરકાર માર્ચથી બંધ કરાયેલા આંતરરાષ્ટ્રીય ફલાઈટો,સિનેમા હોલ અને જીમ પરના નિયંત્રણો હળવા કરવા વિચાર કરી રહી છે.
સરકાર સમક્ષ નેગેટિવ રિપોર્ટવાળા મુસાફરો સાથે આંતરરાષ્ટ્રીય ફલાઈટસ શરુ કરવા અને વિદેશથી આવા લોકોનો ઓન અરાઈવલ ટેસ્ટ કરવા તથા સિનિયર સિટીઝનો અને નાના બાળકોને બાકાત રાખી વયમર્યાદા માટે સિનેમા હોલ ખોલવાની દરખાસ્તો છે.
ઇન્ટરનેશનલ ફલાઈટસ કઇ રીતે ફરી શરુ કરવી તે વિશે એક્વાયર્ડ ગ્રુપ્સમાં ચર્ચા ચાલુ છે.મૂળ યોજના 15 જુલાઈ સુધીમાં આંતરરાષ્ટ્રીય ફલાઈટ્સને મંજુરી આપવાની હતી, પણ હવે 31 જુલાઈ પછીના ચિત્રની વિચારણા થઇ રહી છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે 4872 કલાકથી વધુ જુનો ન હોય તેવા નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ સાથે મુસાફરી કરવાની યાત્રીઓને છુટ અપાશે. અસર ધરાવતા લોકોને ફલાઈટમાં બેસવા નહીં દેવાય.એરપોર્ટ ખાતે રૂા. 500ના ખર્ચવાળો 30-45 મીનીટનો રેપિડ એન્ટીજેન ટેસ્ટ એરપોર્ટ ખાતે કરાશે.આથી એરપોર્ટ પર ક્લિયરન્સમાં એકથી બે કલાકનો વધુ સમય લાગી શકે છે.આગમન સમયે જો કોઇનો ટેસ્ટ પોઝિટીવ આવશે તો તેને પોતાના ખર્ચે ક્વોરન્ટાઈન થવું પડશે.ઓન અરાઈવલ માટે હોમ ક્વોરન્ટાઈનનો વિકલ્પ કદાચ નહીં અપાય.
આ સમગ્ર વિચાર અનલોક કરી અર્થતંત્રને પાટા પર પાછું લાવવાનો છે.રિપીટ નેગેટિવ ટેસ્ટ પછી પણ સેંકડો મુસાફરોને પ્રિવેન્ટીવ ક્વોરન્ટાઈનમાં મોકલવાની બાબત જો કે એ આઇડિયાની વિરુધ્ધ છે.એક અધિકારીના જણાવ્યા પ્રમાણે તમામ સાવચેતીઓ સાથે અને અનલોકિંગનો વિચાર કરી રહ્યા છે.એમાં કેટલુંક જોખમ છે, પણ આપણે આખરે અનલોક કરવું પડશે.અને જ્યારે એવું કરીએ ત્યારે અમે બિનરુરી અવરોધ ઉભા કરવા માગતા નથી.
છેલ્લા 4 મહિનાથી બંધ પડેલાં સિનેમા હોલને ખોલવા પણ વિચાર થઇ રહ્યો છે. 15 થી 40 વર્ષના લોકો માટે સિનેમા હોલ ખોલાય તેવી શક્યતા છે.જૂથ,પરિવાર અને વ્યક્તિગત બુકીંગ માટે સીટિંગ યોજના સોશ્યલ ડીસ્ટન્સીંગ નિયમોને ધ્યાનમાં રાખી કરવામાં આવશે.
સાવચેતીઓ લેવાની શરતે જીમ્નેશિયમ અને ફિટનેસ સેન્ટરોને ખોલવા વિચાર થઇ રહ્યો છે.સમગ્ર વિચારણામાં પેચીદી બાબત બની હોય તો એ શાળા-કોલેજોએ ખોલવાની છે.એકાંતરા જિલ્લાથી માંડી મર્યાદિત સમય જેવા જુદા જુદા મોડેલની વિચારણા થઇ રહી છે પણ શૈક્ષણિક સંસ્થાઓ ખોલવા ટાઈમીંગની સ્પષ્ટતા નથી.


