૨૦૧૭ પછીથી ગુજરાતમાં પ્રાંતવાદ અને જાતિવાદ વધી ગયો છે.જેને કારણે ભાજપના નેતાઓમાં પણ જૂથવાદ ઊભો થયો છે અને ભાગલા પડી ગયા છે.આવા સંજોગોમાં મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ બંને સૌરાષ્ટ્રના હોવાથી નવા પ્રદેશ પ્રમુખ ઉત્તર ગુજરાતમાંથી નિમાશે અને ભાજપમાં પાટીદારોનું પ્રભુત્વ હોવાથી નવા પ્રદેશ પ્રમુખ પણ પાટીદાર હશે તેવી ધારણા હતી.જો કે વડા પ્રધાન મોદીએ પ્રદેશ પ્રમુખ પદ માટે સી.આર. પાટિલને પસંદ કરી પ્રાંતવાદ અને જાતિવાદનો છેદ ઉડાવી દીધો હતો.
છેલ્લા ઘણા સમયથી ભાજપના જ આગેવાનો. નેતાઓ અને કાર્યકરોમાં પ્રમુખની નિમણૂકને લઈને ચર્ચા ચાલી રહી હતી કે હાલમાં મુખ્મંત્રી અને પ્રદેશ પ્રમુખ પણ સૌરાષ્ટ્રના છે માટે હવે પ્રમુખપદ કોઈ ઉત્તર ગુજરાતના પાટીદારને જ અપાશે. કેમકે ગુજરાત ભાજપમાં અત્યારસુધીની પ્રણાલી રહ્યા મુજબ સામાન્ય રીતે જો મુખ્યમંત્રી સૌરાષ્ટ્રના હોય તો પ્રમુખ ઉત્તર ગુજરાતના અને મુખ્યમંત્રી ઉત્તર ગુજરાતના હોય તો પ્રમુખ સૌરાષ્ટ્રમાંથી મુકાતા હોય છે.આથી આ વખતે પ્રમુખ ઉત્તર ગુજરાતના અને પાટીદાર સમાજના જ હશે એવી મજબૂત માન્યતાઓ ભાજપના જ પ્રદેશ નેતાઓ તથા બીજી-ત્રીજી હરોળના આગેવાનોમાં પ્રવર્તતી હતી પરંતુ વડા પ્રધાને એક ઝાટકે જ તેને ઉડાવી દીધી છે.
ભાજપના જ સૂત્રો જણાવે છે કે,વડા પ્રધાન મોદીએ સિગ્નલ આપી દીધું છે કે ગુજરાતમાં હજુ પણ અંતિમ નિર્ણય તેઓ જ કરે છે.અત્યાર સુધી એ પણ એક ચૂંટણીલક્ષી હકીકત રહી છે કે માત્ર મોદીના નામ પર જ ચૂંટણી જીતાતી હોય છે.જેથી પ્રમુખ કે અન્ય નિમણૂકોનું ખાસ કોઈ મહત્ત્વ જ નથી એવો પણ એક સ્પષ્ટ સંદેશો પણ વડા પ્રધાને ગુજરાત ભાજપના સૌ કોઈ નેતાને આપી દીધો છે.
નવા પ્રદેશ પ્રમુખ પોતે સાંસદ છે અને અન્ય ઘણી જવાબદારી નિભાવે છે.આ ઉપરાંત વડા પ્રધાનના મત વિસ્તાર વારાણસીનો પણ કાર્યભાર તેમના માથે સોંપાયેલો છે.પરિણામે તેઓ અત્યાર સુધી સતત ગુજરાત બહાર પ્રવાસો અને કામગીરીમાં વ્યસ્ત રહ્યા છે.આમ છત્તા હવે ગુજરાત માટે પણ તેઓએ સમય ફાળવવો પડશે.