મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે વરાયેલા સી.આર.પાટીલને હ્વદયપૂર્વકના અભિનંદન પાઠવ્યા છે.મુખ્યમંત્રીએ સી.આર.પાટીલને શુભેચ્છાઓ આપતાં કહ્યું કે,રાષ્ટ્રિય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ કરેલી આ નિમણૂંકને અમે વધાવીએ છીએ.તેમણે કહ્યું કે,સી.આર.પાટીલે વર્ષો સુધી ભાજપાના કાર્યકર્તા તરીકેથી લઇને સાંસદ સુધી ભૂમિકા ભજવી છે.સાંસદ તરીકે સૌથી વધુ મતોથી ચૂંટાઇ આવવાનો નવો રેકોર્ડ તેમણે સ્થાપ્યો છે.
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, સી.આર.પાટીલના નેતૃત્વમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અવશ્ય ખૂબ વિકાસ સાધશે,તેમજ સંગઠનનો વ્યાપ વધશે. ગુજરાતમાં આવનારી ચૂંટણીમાં ભાજપ વિજય પ્રાપ્ત કરશે તેમ જણાવતાં મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે સી.આર. પાટીલની નિમણૂંકને સૌ આવકારે છે.
PM મોદીના ટ્રબલશુટર સી.આર.પાટીલને પ્રદેશ ભાજપનું સુકાન સોંપાયુ, શું છે ગણિત?
વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહના હનુમાન તરીકે ગણાતા નવસારી લોકસભા સંસદીય ક્ષેત્રના સાંસદ સી.આર.પાટીલને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકનું નેતૃત્વ કરવાની જવાબદારી સોંપાય છે.પ્રદેશ અધ્યક્ષ તરીકે જીતુ વાઘાણીની ટર્મ પૂરી થતી હતી એટલે નવા અધ્યક્ષની શોધ ચાલી રહી હતી.સામાજિક અને જ્ઞાતિના સમીકરણો મંડાઈ રહ્યાં હતા.તેવામાં સોમવારે બપોરે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ સાંસદ સી.આર. પાટીલને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે નિયુક્તિની જાહેરાત કરીને તમામ રાજકીય સમીક્ષકોના અંદાજ પણ ખોટા પાડી દીધા છે.
જોકે,સી.આર.પાટીલને પ્રદેશ પ્રમુખ બનાવીને કેન્દ્રીય નેતૃત્વએ ધીમે ધીમે ગ્રુપમાં વહેંચાઈ રહેલી ગુજરાત પ્રદેશની નેતાગિરીને ખૂબ સૂચક ઇશારો પણ કરી દીધો છે.જાતિ,સમાજ કે સંપ્રદાયના કોઈ છેડા,વ્હાલા-દવલાનું ગણિતને અંકુશમાં લેવાનો પણ એક એજન્ડા તેમની નિયુક્તિ પાછળ હોઈ શકે છે.સાંસદ પાટીલની પીએમ મોદીના ટ્રબલશુટર તરીકેની ઇમેજ છે.પી.એમ.મોદી અને ગૃહમંત્રી અમિત શાહના આદેશનું પરિણામ આપવું તેમનો ધ્યેય રહ્યો છે.એટલે,તેમને પ્રદેશના સંગઠનની આગેવાની સોંપીને મુઠ્ઠીમાંથી સરકી રહેલી ગુજરાતના સિંહાસનની ડોરને નિયંત્રણમાં રાખવાનો સ્પષ્ટ ઇશારો મળી રહ્યો છે.ચૂંટાયેલી પાંખ અને સંગઠન વચ્ચે વધી રહેલા અંતરને દૂર કરવા માટેની મોટી જવાબદારી પણ તેમની નિયુક્તિ પાછળ હોય તેવું જોવાય રહ્યું છે.
સી.આર.પાટીલને હાઈ કમાન્ડે ભાજપના નવા પ્રમુખ બનાવીને ગુજરાતમાં નવા રાજકીય સમીકરણોની શરૂઆત કરી છે,વર્ષો બાદ ગુજરાત ભાજપના પ્રમુખપદે સૌરાષ્ટ્રવાસીને બેસાડવાની વણલેખાયેલી પ્રથા એકાએક બદલાઈ છે.
2014 અને 2019ની લોકસભાની ચૂંટણી વખતે અમિત શાહના સાથીદાર બનીને ગુજરાત સહિત ઘણાબધા રાજ્યોમાં ચૂંટણી વ્યવસ્થા અને સંગઠનથી માંડીને વ્યૂહરચના તૈયાર કરવામાં સી.આર. પાટીલની ભૂમિકા મહત્વની રહી હતી.હવે સી.આર.પાટીલને ભાજપ હાઈ કમાન્ડે એક નવી જવાબદારી ગુજરાત ભાજપના પ્રમુખ તરીકેની સોંપીને એક તીરથી ઘણા નિશાન સાધ્યા છે.
છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત ભાજપના પ્રમુખથી માંડીને ઉચ્ચ હોદ્દા પર સૌરાષ્ટ્રનું જ રાજ ચાલતું હતું,વર્ષો પહેલા દક્ષિણ ગુજરાતના કાશીરામ રાણાને ભાજપ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.તે પછી દક્ષિણ ગુજરાત ભાજપ માટે પછાત બની ગયું હતું.પરંતુ હવે, સી.આર.પાટીલને મૂકીને ભાજપના રાષ્ટ્રીય નેતાઓએ નવા રાજકીય સમીકરણોનો નિર્દેશ આપી દીધો છે. લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રથી માંડીને ઉત્તર પ્રદેશ સુધી ભાજપને જીતાડવા માટે સી.આર.પાટીલે ખૂબ મોટી પરંતુ પડદા પાછળની જવાબદારી સોંપવામાં આવી હતી.જેમાં સી.આર.પાટીલે સફળતા મેળવ્યા બાદ તેમને કેન્દ્રીય મંત્રી બનાવવા માટેની પણ ચર્ચા ચાલી હતી.પરંતુ સી.આર.પાટીલને કેન્દ્રીય મંત્રીને બદલે ગુજરાત ભાજપની સત્તા એટલે કે ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે.
પોલીસ વિભાગમાંથી રાજીનામું આપ્યા પછી ગુજરાતના રાજકારણમાં સીઆર પાટીલે પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. સી.આર.પાટીલ 25 ડીસેમ્બર 1989ના રોજ ભાજપના સભ્ય બનીને સક્રિય રાજનીતિમાં જોડાયા હતા. ત્યાર પછી સુરત શહેર ભાજપના કોષાધ્યક્ષ બન્યા અને પછી શહેરના ઉપપ્રમુખ પણ બન્યા.આ દરમિયાન તેમની સાંગઠનિક શક્તિ,નેતૃત્વના સબળ ગુણ અને સક્ષમ આયોજન ક્ષમતાઓ જોવા મળી.ભાજપ સરકારે તેમને પ્રથમ GIDC(ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ) અને પછી GACL(ગુજરાત અલ્કાલિઝ એન્ડ કેમિકલ લિમિટેડ)ના અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપી હતી.લોકસભા,વિધાનસભા,મ્યુનીસીપલ કોર્પોરેશન,પંચાયત તમામ ચૂંટણીમાં પક્ષને વધુ બેઠક અને લાંબી લીડથી જીતાડવા માટે વિવિધ સ્તરે વ્યૂહરચનાકાર તરીકેની ભૂમિકા પણ નિભાવી હતી.


