ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે દક્ષિણ ગુજરાતના અને બિન ગુજરાતી એવા સી.આર.પાટીલની નિમણૂક કરતા જ ભાજપના નેતાઓમાં આશ્ચર્ય સાથે પ્રશ્નાર્થ જોવા મળ્યો હતો.પરંતુ જોવા જઈએ તો ભાજપ હાઈ કમાન્ડે જ્ઞાતિવાદ કે પ્રાંતવાદની જૂની પદ્ધતિ બદલીને ચારેય દિશામાં ચાર મહત્વના હોદ્દાઓ વહેંચી દીધા છે, જેથી સમગ્ર ગુજરાતનું પ્રતિનિધિત્વ ભાજપ સરકાર અને સંગઠનમાં પ્રતિબિંબિત થાય છે.
સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાત લોબીને બદલે નવા વિસ્તારમાંથી નવો ચહેરો
ભાજપે જ્ઞાતિવાદના લોબિંગથી પર થઈને બધાને આંચકો આપે તેવા જ્ઞાતિ સમીકરણોને બાજુ પર રાખીને ભાજપ પ્રદેશ પ્રમુખનું સ્થાન સી.આર.પાટીલને આપ્યું છે. દક્ષિણ ગુજરાતમાં કાશીરામ રાણા બાદ સી.આર.પાટીલ એવા મોટા નેતા બન્યા જેઓને ભાજપે પ્રદેશ પ્રમુખપદે બેસાડ્યા છે.પરંતુ સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાત લોબીને બદલે નવા જ વિસ્તારમાંથી નવા જ ચહેરાને ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે પસંદગી કરીને કેન્દ્રિય મોવડી મંડળે બધાને આંચકો આપ્યો છે.
જ્ઞાતિવાદ અને પ્રદેશવાદને કોરાણે મુકીને નવા સમીકરણોના સંકેત
ભાજપમાંથી અત્યાર સુધી મોટેભાગે સૌરાષ્ટ્રમાંથી જ પ્રદેશ પ્રમુખ તેમજ મુખ્યમંત્રી આવ્યા છે.પંરતુ અત્યાર સુધી ભાજપને વધુ બેઠકો આપતા દક્ષિણ ગુજરાતમાંથી પ્રદેશ પ્રમુખની પસંદગી થતાં ભાજપે હવે બેલેન્સ કર્યું છે.હાલ ગુજરાત ભાજપમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી મોટા પદ તરીકે મુખ્યમંત્રી વિજય રૂપાણી છે તો ઉત્તર ગુજરાતમાંથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને સ્થાન આપ્યું છે.વિધાનસભાનું અધ્યક્ષપદ મધ્ય ગુજરાતમાંથી રાજેન્દ્ર ત્રિવેદીને આપ્યું છે.આજે દક્ષિણ ગુજરાતમાંથી ભાજપમાં મોટા પદ માટે સી.આર.પાટીલની પસંદગી થતાં દક્ષિણ ગુજરાતને પણ મહત્વ મળ્યું છે.જ્ઞાતિવાદ અને પ્રદેશવાદને કોરાણે મુકીને નવા સમીકરણો સાથે ભાજપે નવી રાજનીતિ અપનાવી છે. આમ ગુજરાતના ચારેય ઝોનમાં ચાર મોટા પદની વહેંચણી કરી લોકો વચ્ચે બેલેન્સ જાળવવા પ્રયાસ કર્યો છે.
કોંગ્રેસનું વર્ચસ્વ ધરાવતી બેઠકો પર જીત મેળવવાની જવાબદારી સી.આર.પાટીલને સોંપી
રાજ્યમાં 8 વિધાનસભા ની બેઠક ની પેટાચૂંટણીઓ છે ત્યારે ભાજપ અત્યારથી તૈયારીઓમાં લાગી ગયું છે.કોંગ્રેસનું વર્ચસ્વ ધરાવતી બેઠકો પર જીત અપાવી ભાજપની સ્થિતિને મજબૂત કરવાની મોટી જવાબદારી ભાજપે સી.આર.પાટીલને સોંપી છે


