ન્યુ દિલ્હી,તા.૨૧
૨૪મીએ ભારતની અને સીધા ગુજરાતની મુલાકાતે આવી રહેલા દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકિય પરીક્ષા લઇ રહ્યાં છે કે પછી ઉમ્મીદ સે જ્યાદાની આશા રાખી રહ્યાં છે પોતાના શાહી સ્વાગત માટે..? આ મહત્વનો સવાલ હવે સત્તાની ગલીઓમાં એટલા માટે ચર્ચાઇ રહ્યો છે કેમ કે ટ્રમ્પે આજે ભાજપને પરસેવો છૂટી જાય એવી વાત અમેરિકામાં જાહેર મંચ પરથી કહી કે અમદાવાદમાં તેમના સ્વાગત માટે મોદીજીએ પહેલા તો ૬૦થી ૭૦ લાખ લોકો હાજર રહેવાનું કહ્યું હતું પણ હવે જો એક કરોડ(૧૦ મિલિયન) કરતાં ઓછી ભીડ હશે તો તેઓ સંતુષ્ટ નહીં થાય…! એટલે કે એકાદ કરોડની ભીડ હશે તો જ તેમને સંતોષ થશે કે હાશ સારૂ સ્વાગત થયું…! આજનાતેમના આ વલણ અંગે કેટલાક તેને જીદ્દી બાળક સમાન માની રહ્યાં છે તો બીજી તરફ એવી ચર્ચા પણ છે કે શું ખરેખર વડાપ્રધાને તેમને તેમના સ્વાગત માટે અમદાવાદમાં ૬૦થી ૭૦ લાખ(૬થી ૭ મિલિયન) લોકોની ભીડ હાજર રહેશે એમ કહ્યું છે…? કેમ કે આખા અમદાવાદની કુલ વસ્તી જ ૭૦ લાખની છે અને એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમની વચ્ચે ૧૧ કિ.મી.ના વિસ્તારમાં ૬૦થી ૭૦ લાખ અથવા ટ્રમ્પે દાવો કર્યો છે તેમ ૧ કરોડની ભીડ ક્યાંથી લવાશે…?! શું ટ્રમ્પ યે દિલ માંગે મોર..ની જેમ તેમના સ્વાગત માટેની ભીડનો આંકડો વધારીને ભાજપના ટેન્શનમાં વધારો તો નથી કરી રહ્યાં કે પછી પોતાના સ્વભાવ અનુસાર નાના બાબતને વધારે પડતી ગણાવી રહ્યાં છે કે તેમના સ્વાગત માટે હવે એક કરોડ લોકોનીી ભીડ સડકો પર હશે જે ઉપરથી જોવામાં મગફળી સમાન લાગશે…? ભાજપ અને કેન્દ્ર તથા ગુજરાત સરકારમાં હવે અંદરખાને ગણગણાટ હોઇ શકે કે શું ટ્રમ્પને કોઇએ સ્વાગત માટે કેટલી ભીડના ખોટા આંકડાઓ આપવામા આવ્યાં છે કે પછી જેમણે આંકડા આપ્યા તેમણે લાખ અને મિલિયન(૧૦ લાખ) વચ્ચેના અર્થની ખબર નથી…? કે પછી ટ્રમ્પ જાણી જોઇને પોતાના સ્વભાવગત સ્વાગત માટેના ભીડના આંકડામાં વધારો આપમેળે કરીને ભારત સરકાર અને ખાસ કરીને ભાજપ માટે મુશ્કેલી પેદા કરી રહ્યાં છે…? એવા અનેક સવાલો તેમના આગમન પહેલા ચકરાવે ચઢયા છે. ટ્રમ્પે આ ઉપરાંત ફરી એકવાર કહ્યું કે ભારત સાથે વ્યાપારિક સંબંધો સારા નથી અને દુનિયામાં સૌથી વધુ ટેરિફ ભારતનો છે.
ટ્રમ્પે કહ્યું કે, ત્યાં એટલી ભીડ આવશે જાણે કે હવે હું બીટલ્સ જેવો લોકપ્રિય થઈ ગયો છું. આટલી ભીડથી તો સ્ટેડિયમ પણ ફુલ થઈ જશે અને લોકોને બહાર ઊભા રહેવું પડશે.
નોંધનીય છે કે આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે ભીડને લઈ અલગ-અલગ દાવા કરી ચૂક્યા છે. એક નિવેદનમાં તેઓએ ૫ મિલિયન (૫૦ લાખ) ભીડ એકત્ર થવાની વાત કહી હતી. તો ગુરુવારે આપેલા પોતાના નિવેદનમાં ભીડનો આંકડો ૭ મિલિયન (૭૦ લાખ) રહેશે તેવો દાવો કર્યો હતો.
આ દરમિયાન ટ્રમ્પનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓએ કહ્યું કે, હું આવતા સપ્તાહે ભારત જઈ રહ્યો છું અને અમે વેપાર પર વાત કરીશું. અમારી પર છેલ્લા એક વર્ષોથી અસર પડી રહી છે. હું હકિકતમાં પીએમ મોદીને ખૂબ પસંદ કરું છું પરંતુ અમારે થોડી બિઝનેસ પર વાત કરવાની જરૂર છે. દુનિયામાં સૌથી વધુ ટેરિફ ભારતનો છે.
ટ્રમ્પે પોતાની જાહેરસભામાં ટેરિફના મામલે ભારતની આકરી ટીકા કરી. ટ્રમ્પે કહ્યું કે હું ભારત જઈ રહ્યો છું અને હું ટ્રેડની વાત કરીશ. ભારતે અનેક વર્ષ સુધી આપણી પર વધુ ટેરિફ લગાવ્યો, પરંતુ હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘણો પસંદ કરું છું. આશા છે કે હવે તેઓ આપણી પર વધુ ટેરિફ નહીં લગાવે.
ડોનાલ્ડ ટ્રમ્પ સતત પોતાના નિવેદનો ફેરવી રહ્યા છે. આ અગાઉ જ ટ્રમ્પે કોઈ મહત્વનો વેપાર કરાર નહીં થાય તેવી વાત કરી હતી. નોંધનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની પત્ની મેલાનિયા ટ્રમ્પ સાથે ૨૪-૨૫ ફેબ્રુઆરીના રોજ ભારત પ્રવાસ પર આવી રહ્યા છે.
અમદાવાદની કુલ વસતી જ ૭૦-૮૦ લાખ છે, તો શું આખું અમદાવાદ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમના રસ્તા પર ઉભું રહેવાનું છે.