સુરતમાં પાટીદાર વર્સિસ પાટીલનો કોલ્ડવોર શરૂ થઈ ગયો હોવાનું કહેવાઈ રહ્યુ છે ત્યારે હવે આજે સુરતમાં નવા ભાજપ પ્રદેશ પ્રમુખ C R પાટીલના સ્વાગત પહેલા સ્વાગત પોસ્ટર પર કાળી શાહી લગાવીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. જો કે બાદમાં પોસ્ટર હટાવી લેવાયા હતા.
– સુરત સી.આર.પાટીલની સ્વાગત રેલી
– સ્વાગત રેલી પહેલા જ વિરોધ
– પોસ્ટર પર લગાવાઇ કાળી શાહી
આજે સુરતમાં સી.આર.પાટીલના સ્વાગતમાં રેલી યોજાવાની છે.પરંતુ સી.આર.પાટીલની સ્વાગત રેલી પહેલા જ વિરોધ શરૂ થઇ ગયો છે.પાટીલના સ્વાગત પોસ્ટર પર કાળી શાહી લગાવી દીધી હતી. જો કે બાદમાં આ પોસ્ટર તુંરત જ હટાવી લેવાયા હતા.
શું કરાઈ હતી છેડછાડ?
યોગીચોકના સાવલિયા સર્કલ પાસેના બેનરમાં છેડછાડ કરાઇ હતી. કાપોદ્રા ઓવર બ્રિજના બેનર અને વરાછામાં લગાવાયેલા બેનરોમાં પણ કાળી શાહી લગાવી દેવાઇ હતી. બેનરમાં નીતિન પટેલ સિવાય તમામ નેતાઓના ચહેરા પર કાળી શાહી લગાવાઇ હતી.
ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું સુરતમાં ભવ્ય સ્વાગત કરાશે. ભાજપ પ્રદેશ પ્રમુખના સ્વાગતમાં કાર રેલી યોજવામાં આવશે. વાલક પાટિયાથી સોસ્યો સર્કલ સુધી કાર રેલી યોજાશે.જે સી.આર.પાટીલના કાર્યલાયે રેલીનું સમાપન થશે. બપોરે 12 વાગે રેલીનું પ્રસ્થાન કરાવાશે.વાલક પાટીયાથી રેલી શરૂ થશે. રેલી સીમાડા નાકા,કાપોદ્રા,હીરાબાગ,મીની બજાર,ભવાની સર્કલ,અસ્કાપુરી બ્રિજ સહિત 16 જગ્યાએ ફરશે અને બાજમાં સી.આર.પાટીલના કાર્યાલયે રેલીનું સમાપન થશે.
આ અંગે સુરત શહેર ભાજપના અધ્યક્ષ નીતિન ભજીયાવાળાએ જણાવ્યું કે, લગભગ 24 વર્ષ બાદ દક્ષિણ ગુજરાતમાંથી કાશીરામ રાણા બાદ સીઆર પાટીલને આ જવાબદારી સોંપાઈ છે ત્યારે દરેક કાર્યકરો તેમને આવકારવા ઉત્સુક છે અને 30 કિ.મી.ની વિશાળ કાર રેલી દ્વારા શહેરના વિસ્તારમાં ફરીને તેમનું સ્વાગત કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે,અગાઉ એરપોર્ટથી રેલી નીકળવાની હતી. જો કે સી આર પાટીલ બાય રોડ સુરત આવવાના હોવાથી વાલકથી તેમનું સ્વાગત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
કયા રૂટ પર જશે રેલી
વાલક પાટીયા-સરથાણા જકાતનાકા-સીમાડા નાકા-કાપોદ્રા-હીરાબાગ- મિનીબજાર-દેવજીનગરથી ભવાની સર્કલ-અલકાપુરી બ્રીજથી-કિરણ હોસ્પિટલ-ગોધાણી સર્કલ- કતારગામ દરવાજા- મુગલીસરા- ચોક-વિવેકાનંદ સ્ટેચ્યુ- નાનપુરા થઈ અઠવાગેટથી મજૂરાગેટ-ઉધના દરવાજા-ભાજપ કાર્યાલય ઉધના- સોસિયો સર્કલ સુધીની કાર રેલી યોજાશે.
સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ફરજિયાત
સ્વાગત કાર્યક્રમમાં કાર કોઈ બાઈક નહી પરંતુ કાર લઈને કાર્યકરોને આવવું ફરજીયાત છે. ચાલુ રેલીએ કારમાંથી બહાર નહીં નીકળી શકાય.ફોર વ્હિલરમાં દરેક વ્યક્તિઓએ માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે.ફોર વ્હિલરમાં સીટ બેલ્ટ ફરજીયાત બાંધવાના રહેશે. સોશિયલ ડિસ્ટન્સનું પાલ કરવાનું રહેશે.કાર રેલી દરમિયાન કોઈએ પણ ઓવરટેક કરવું નહીં.એક કારમાં ત્રણ જ વ્યક્તિઓને બેસવાનું રહેશે. સાથે જ સરકારના અન્ય નિયમોનું પણ ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.


