ઢાકા તા. 27 જુલાઇ 2020 સોમવાર
બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ ભારતીય રાજદૂતને મળવાનો ઇનકાર કર્યો હોવાના અહેવાલે ખળભળાટ મચાવ્યો હતો.બાંગ્લાદેશના એક પ્રતિષ્ઠિત અખબારના રિપોર્ટ મુજબ છેલ્લા ચાર માસથી વડા પ્રધાન શેખ હસીના ભારતીય રાજદૂતને મળવાનો સમય ફાળવી શક્યા નથી.
1971માં બાંગ્લાદેશનો જન્મ થયો એમાં જ ભારતનો માતબર ફાળો હતો અને બાંગ્લાદેશ જન્મ્યો ત્યારથી ભારત સાથેના એના સંબંધો ઉષ્માભર્યા રહ્યા હતા.એક સમયે પૂર્વ પાકિસ્તાનના નામે ઓળખાતો આ પ્રદેશ ભારતની મદદથી બાંગ્લા દેશ બન્યો હતો.કોણ જાણે કેમ,છેલ્લા થોડા સમયથી બાંગ્લા દેશ અને પાકિસ્તાન વચ્ચે ઘરોબો વધી રહ્યો હોવાના સંકેતો મળતા હતા. તેમાં બાંગ્લાદેશના પ્રતિષ્ઠિત અખબારે એવો અહેવાલ પ્રગટ કર્યો હતો કે શેખ હસીના ભારતીય રાજદૂતને મળવાનો સમય ફાળવતાં નથી.
ભોરેર કાગજ (પ્રાતઃકાળના સમાચાર) અખબારના રિપોર્ટ મુજબ 2019માં શેખ હસીના સત્તા પર આવ્યાં ત્યારથી ભારત સાથેના તેના પ્રોજેક્ટ્સની કાર્યવાહી ધીમી થઇ ગઇ હતી અને ચીન સાથેના પ્રોજેક્ટ્સને પ્રાયોરિટી મળી રહી હતી.આ અખબારના તંત્રી શ્યામલ દત્તાએ પોતે લખેલા એક લેખમાં જણાવાયા મુજબ છેલ્લા થોડા સમયથી બાંગ્લાદેશનો ઝુકાવ પાકિસ્તાન અને ચીન તરફ વધી ગયો હતો.
આ લેખમાં કેટલીક ચોંકાવનારી વિગતો પણ રજૂ થઇ હતી. જેમ કે ‘ભારતે વ્યક્ત કરેલી ચિંતાની ઉપરવટ જઇને બાંગ્લા દેશે ચીનને સિલ્હટમાં એક એરપોર્ટ ટર્મિનલ બનાવવાનો ઓર્ડર આપ્યો હતો. ઢાકા ખાતેના ભારતીય રાજદૂત રીવા ગાંગુલી છેલ્લા ચાર માસથી શેખ હસીનાને મળવાના પ્રયાસો કરી રહ્યાં હતાં પરંતુ વડા પ્રધાન તેમને સમય ફાળવતાં નથી એવું પણ આ લેખમાં જણાવાયું હતું. કોરોના સામે લડવાના પ્રયાસોમાં ભારતે કરેલી મદદ માટે થેંક્સ જેવી ઔપચારિકતા પણ બાંગ્લા દેશ વિસરી ગયું હતું એવું પણ આ લેખમાં નોંધવામાં આવ્યું હતું.
ભારતે વ્યક્ત કરેલા વિરોધ છતાં સિલ્હટના ઓસ્માનિયા એરપોર્ટમાં વધુ એક ટર્મિનલ બાંધવાનો કોન્ટ્રેક્ટ બાંગ્લા દેશે બીજિંગ અર્બન કન્સ્ટ્રક્શન ગ્રુપ નામની કંપનીને આપ્યો હતો. બાંગ્લા દેશનું આ વલણ ભારત માટે ચિંતાપ્રેરક ગણાય.