કથાકાર મોરારી બાપુ થોડા દિવસો પહેલા તેમની કથામાં ભગવાન શ્રીકૃષ્ણ અંગે કરેલી ટિપ્પણીને લઇને વિવાદમાં આવ્યા હતા.આ વિવાદ બાદ મોરારી બાપુએ દ્વારકાના જગતમંદિર ખાતે માફી માંગતા વિવાદ શાંત થયો હતો,પરંતુ ફરીથી મોરારી બાપુની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે બોટાદની એક મહિલાએ પોલીસ મહાનિર્દેશકને પત્ર લખ્યો છે.જેમાં મોરારી બાપુ સામે ભગવાન શ્રીકૃષ્ણ અને શ્રી નીલકંઠવર્ણીનું અપમાન કરવાનો આક્ષેપ મહિલાએ લગાવ્યો છે.રિપોર્ટ અનુસાર, વૈશાલી પાટડીયા નામની મહિલા બોટાદના રાજપૂત ચોરા,જૂના સ્વામિનારાયણ મંદિરની સામે રહે છે.8 જૂન, 2020ના રોજ મહિલાએ બોટાદ પોલીસ સ્ટેશનના PIને સંબોધીને મહિલાએ એક અરજી આપી હતી અને તેમાં મહિલાએ પ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુએ મીડિયાના માધ્યમથી તેના આરાધ્યદેવ શ્રીકૃષ્ણ અને શ્રી નીલકંઠવર્ણીનું અપમાન કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.
વૈશાલી પાટડીયા નામની મહિલાએ અરજીમાં એવું જણાવ્યું હતું કે,દેશભરમાં કરોડો લોકો કૃષ્ણ ભક્તિ અને શ્રદ્ધાથી જીવન ગુજારે છે ત્યારે તેમણે બહુધા વર્ગને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. મહિલાએ તેની અરજીમાં વધુમાં જણાવ્યું હતું કે,મોરારી બાપુ વારંવાર આવું કૃત્ય કરી જાહેરમાં માફી માંગે છે,તેમને આ દેશના કાયદાનું જ્ઞાન નથી.મહિલાએ તેની અરજીમાં મોરારી બાપુ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગ કરી છે અને તેની અરજીમાં વીડિયો ક્લિપની URL પણ જોડી હતી.
બોટાદના PI દ્વારા મહિલાની અરજીનો કોઈ નિકાલ ન થતા વૈશાલી પાટડીયાએ 22 જુલાઈ,2020ના રોજ સમગ્ર મામલે પોલીસ મહાનિર્દેશકને પત્ર લખી જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી કરી છે.
મહિલાએ પોલીસ મહાનિર્દેશકને કરેલી અરજીમાં જણાવ્યું છે કે,કથાકાર મોરારી બાપુ દ્વારા અમારા આરાધ્યદેવ શ્રીકૃષ્ણ અને શ્રી નીલકંઠવર્ણી વિશે અભદ્ર ટિપ્પણી કરવા બાબતે બોટાદ પોલીસ સ્ટેશનમાં અરજી આપી મોરારીબાપુ સામે ગુનો દાખલ કરવાની રજૂઆત કરવામાં આવી હતી,પરંતુ આ વાતનો એક મહિનો વીતવા છતાં બોટાદ પોલીસ દ્વારા કોઇ ફરિયાદ લેવામાં ન આવતા અને પુરાવાની માગણી કરતાં તમામ પુરાવા અપાયા છતાં અમારી ફરિયાદ લેવામાં આવી નથી.જેના કારણે 22 જુલાઈ,2020ના રોજ પોલીસ મહાનિરીક્ષક ગુજરાત ગાંધીનગરને મોરારી બાપુ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.


