મુંબઇ તા.28 જુલાઇ 2020 : મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટના રિડેવલપમેન્ટ માટે એરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ જીવીકે ગ્રુપને 200 એકર જમીન આપી હતી. આ કિસ્સામાં બોગસ કોન્ટ્રેક્ટ દ્વારા 800 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હોવાના આક્ષેપ થયા હતા.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મની લોન્ડરીંગનો કેસ નોંધ્યો હતો.આ સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ EDની ટુકડીઓ મુંબઇ અને હૈદરાબાદ પહોંચી હતી અને દરોડા પાડ્યા હતા.આ કૌભાંડને લગતા નવ કેસ તૈયાર કરાયા હતા.
જીવીકે ગ્રુપ જેને મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટના રિડેવલપમેન્ટની જવાબદારી સોંપવામાં આવી હતી.એરપોર્ટનું મોડર્નાઇઝેશન,અપગ્રેડેશન અને મેઇનટેનન્સ વગેરેને આ સોદામાં સમાવી લેવાયા હતા.જીવીકેના ચેરમેન સંજય રેડ્ડીના નિવાસસ્થાને ED ની ટીમ પહોંચી હતી.સાથોસાથ આ ગ્રુપની મનાતી અન્ય નવ કંપનીઓ પર પણ ઇડીએ દરોડા પાડ્યા હતા.અત્યાર અગાઉ સીબીઆઇ પણ સંજય રેડ્ડીને ત્યાં દરોડા પાડી ચૂકી હતી.
2006માં એરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટના રિડેવલપમેન્ટ માટે જીવીકેને 200 એકર જમીન આપી હતી. સોનાની લગડી જેવી આ જમીન અંગે બનાવટી દસ્તાવેજો તૈયાર થયા હતા અને બોગસ કોન્ટ્રેક્ટ પણ થયા હતા.આ કોન્ટ્રેક્ટમાં 50.5 ટકા હિસ્સો જીવીકેનો અને 26 ટકા હિસ્સો એરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા પાસે રહેવાની વાત હતી.બાકીનો હિસ્સો બીજી કંપનીઓને મળવાનો હતો.નિયમ મુજબ કમાણીનો પહેલો હિસ્સો એરપોર્ટ ઑથોરિટીને મળવાનો હતો. ત્યારબાદ બીજો હિસ્સો જીવીકેને મળવાની વાત હતી.
કુલ રૂપિયા 800 કરોડનું આ કૌભાંડ હોવાની માહિતી પ્રકાશમાં આવી હતી.ત્યારબાદ સીબીઆઇ અને ઇડીએ કેસની તપાસ શરૂ કરી હતી.સંજય રેડ્ડી સામે ક્રીમીનલ કેસ નોંધવામાં આવ્યો હતો.આ કિસ્સામાં કેટલાંક મોટાં માથાં સંડોવાયા હોવાની શંકા વ્યક્ત કરાઇ હતી.આ કોન્ટ્રેક્ટ થયો ત્યારે રાજ્યમાં કોંગ્રેસની સરકાર હતી.શાસક પક્ષના કેટલાક નેતાઓ કૌભાંડના ભાગીદાર હોવાની શંકા સેવાઇ રહી હતી.

