– 2019-20માં 8.17 ટકાનો થઇ ગયો
– LIC અર્થતંત્રમાં થયેલા ઘબડકાને જવાબદાર ગણાવે છે
નવી દિલ્હી તા.31 જુલાઇ
બેંકો પછી હવે LICની એનપીએ (નોન પ્રોડક્ટિવ એસેટ્સ)માં પણ જંગી વધારો થયો હોવાની જાણકારી મળી હતી.2019-20ના વર્ષમાં એનપીએમાં 8.17 ટકાનો વધારો નોંધાયો હતો. LICની કુલ સંપત્તિ 31.96 લાખ કરોડ રૂપિયાની હતી. વીતેલ નાણાંકીય વર્ષમાં એમાં સાવ મામુલી વધારો થયો હતો.આગલા વર્ષે LICની અસ્ક્યામતો 31,.1 લાખ કરોડ રૂપિયાની હતી.એની તુલનાએ જોઇએ તો 2019-20ના વર્ષમાં LICની સંપત્તિમાં સાવ નજીવો વધારો નોંધાયો હતો.આમ થવાથી આમ આદમીની સંપત્તિ પર જોખમ વધ્યું હતું.
LICના એક વરિષ્ઠ અધિકારીએ પોતાની ઓળખ છૂપાવવાની શરતે એવી માહિતી આપી હતી કે અર્થતંત્રમાં થયેલા ધબડકાની અસર LICની સંપત્તિ પર પણ થઇ હતી. ખાસ કરીને કોર્પોરેટ સેક્ટરમાં ડિફોલ્ટ અને ડાઉનગ્રેડ વધ્યા હતા.એની પ્રતિકૂળ અસર LICની સંપત્તિને થઇ હતી. ચાલુ વર્ષના માર્ચની 20મીએ LICની એનપીએ 36,694.20 કરોડ રૂપિયાની હતી.આગલા વર્ષે આ એનપીએ 24,772.2 કરોડ રૂપિયાની હતી. 2019ના સપ્ટેબરની 30મીએ LICની એનપીએ વધીને 30,000 કરોડની થઇ ગઇ હતી.આ અધિકારીએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે છેલ્લાં થોડાં વરસોમાં કોર્પોરેટ સેક્ટરમાં ડિફોલ્ટર્સ ખૂબ વધી જવાથી એનપીએમાં પણ વધારો નોંધાયો હતો.
હકીકતમાં LICની કુલ સંપત્તિના 60થી 70 ટકા સરકારી સિક્યોરિટીઝમાં રોકવામાં આવી હતી.બાકીની રકમ ઇક્વિટી શૅર્સમાં અને કોર્પોરેડટ કર્જ રૂપે રોકાણમાં મૂકાઇ હતી. 2019-20માં LICએ આગલા વર્ષની તુલનામાં પ્રીમિયમમાં પચીસ ટકાનો ગ્રોથ મેળવ્યો હતો,પ્રાઇવેટ કંપનીઓમાં આ ગ્રોથ 11.64 ટકાનો રહ્યો હતો.
પ્રીમિયમથી LICની આવકમાં 12.42 ટકાનો વધારો નોંધાયો હતો. હવે LICની પ્રીમિયમની આવકનો આંકડો 3.79 લાખ કરોડ સુધી પહોંચી ગયો હતો.વાસ્તવમાં બેંકોની જેમ LICને પણ કોર્પોરેટ સેક્ટરની લોનમાં ફટકો પડ્યો હતો. LIC પાસેથી કર્જ લઇને પરત નહીં ચૂકવનારી કંપનીઓમાં બહુ મોટાં મોટાં નામ છે એમ આ અધિકારીએ કહ્યું હતું.


