સુરત શહેરમાં જે ઇન્જેક્શનની ખૂબ જ અછત છે તેવા ટોસીલીઝુમેબ ઇન્જેક્શન (Tocilizumab Injections) હવે ભારતમાં બનવાની પણ શરૂઆત થઇ છે. આગામી બે દિવસમાં જ સુરત સિવિલને ઇન્જેક્શનનો જથ્થો પૂરો પાડવાની હૈયાધરપત આપવામાં આવી છે.આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરો સાથે મુલાકાત કરી કોરોનાની હાલની પરિસ્થિતિ તેમજ સ્ટેમસેલ બિલ્ડિંગ બાબતે ચર્ચા કરી હતી.
આ બાબતે આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતુ કે,સ્ટેમસેલ બિલ્ડિંગ તૈયાર થઇ ગઇ છે અને હવે આગામી દિવસોમાં ત્યાં કામગીરી પણ શરૂ થઇ જશે.હાલમાં જ્યાં કોવિડ-19 હોસ્પિટલ છે તેમાંથી વિવિધ સામાન સ્ટેમસેલ બિલ્ડિંગમાં ખસેડવાની કામગીરી હાથ ધરાઇ છે અને દર્દીઓને પણ શિફ્ટ કરી દેવાશે.ત્યારબાદ નોન-કોવિડની કામગીરી (non-Covid) પણ શરૂ કરાશે.અન્ય બીમારીઓ તેમજ અન્ય વોર્ડ પણ સિવિલ હોસ્પિટલમાં શરૂ કરીને બહારથી આવતા દર્દીઓને કોઇ હાલાકી નહીં પડે એ માટે કામગીરી કરાશે.
આ ઉપરાંત આરોગ્ય મંત્રીએ ઇન્જેક્શન બાબતે કહ્યું હતું કે,જે ઇન્જેક્શન સ્વિત્ઝરલેન્ડમાં બનતાં હતાં તે હવે ભારતમાં બનવાની પણ શરૂઆત થઇ ગઇ છે અને સુરતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ જે દર્દીઓ છે તેઓ માટે ઇન્જેક્શન પૂરતાં પ્રમાણમાં છે.જ્યારે બીજાં જે ઇન્જેક્શનની જરૂર છે તેનો સ્ટોક પણ બે દિવસમાં પૂરો થઇ જશે.એટલે કે ઇન્જેક્શનની જે સમસ્યા છે તે સંભવતઃ નિરાકરણ થઇ જશે.આ ઉપરાંત કોરોનાની હાલની સ્થિતિને કેવી રીતે પહોંચી શકાય તે ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી.


