ગુજરાતમાંથી દારુબંધી ઉઠાવવા મુદ્દે થયેલી અરજીમાં હાઈકોર્ટે હળવી ટકોર કરી હતી કે,આ અરજી જલદીથી ચલાવવા માટેની ઉતાવળના અનેક કારણો હોય શકે છે,જેમ કે,અરજદારને તેમની તરસ છીપાવવાની ઉતાવળ હોય શકે છે.આ મુદ્દે,સરકારે કહ્યું હતુ કે,અરજદારને તેમની તરસ છીપાવવી હોય તો,સરકાર તેમને પીવા લાયક પીણાં આપી શકે છે,પણ દારૂ નહીં.ગુજરાતમાં દારૂબંધી અમલી છે,તેને ઉઠાવી લેવાની માગ સાથે હાઈકોર્ટમાં પાંચ અરજીઓ કરવામાં આવેલી છે.
હાઈકોર્ટમાં અરજદારે આ અરજી મુદ્દે,તાત્કાલિક સુનાવણી કરવાની માગ કરી હતી,જો કે,સરકારે આ રજૂઆતનો વિરોધ કર્યો હતો.સરકારની રજૂઆત હતી કે, દારૂબંધીના કાયદાને પડકારતી આ અરજીઓ હાઈકોર્ટ સાંભળે તે માટે અરજદાર ઉતાવળ શા માટે કરવા માગે છે? અનેક કાયદાઓની જોગવાઈઓને હાઈકોર્ટમાં પડકારવામાં આવેલી છે,આવા અનેક કેસ કોર્ટમાં ચાલી રહ્યા છે,ત્યારે દારુબંધીના કાયદાને પડકારતી અરજીની તાત્કાલિત સુનાવણી અંગેની ઉતાવળ શા માટે કરવી?
આ મુદ્દે,અરજદારની રજૂઆત હતી કે,અરજી ચલાવવાની ઉતાવળનુ કારણ ગમે તે હોઈ શકે,પરંતુ સરકાર આ અરજી ચલાવવામાં વિલંબ શા માટે કરવા માગે છે ? દારૂબંધીના કાયદાથી લોકોની ગુપ્તતાના હકોનો ભંગ થાય છે,કોઈ તેમના ઘરમાં શું ખાશે કે પીશે તેના પર સરકાર રોક લગાવી શકે નહીં.જે લોકો ઘરમાં બેસીને દારુનુ સેવન કરવા માગે છે,તેમને મંજૂરી આપવી જોઈએ.
હવે દારૂબંધીને પડકારતી તમામ અરજીઓની એકસાથે સુનાવણી 25 ફેબ્રુઆરીના રોજ ગુજરાત હાઇકોર્ટમાં થશે.સુનાવણી બાદ દારૂબંધીના કાયદાથી લોકોની ગુપ્તતાના અધિકારનું હનન થાય છે કે કેમ તે અંગે કોર્ટ આખરી નિર્ણય લેશે.દારૂબંધીના કાયદાથી લોકોની ગુપ્તતા અધિકારનું હનન થાય છે તેવી અરજદારોની રજૂઆત કોર્ટમાં કરી હતી.ફૂડ સેફટી એકટ પ્રમાણે દારૂએ ભોજનની વ્યાખ્યામાં આવેલ અને કોઈ પોતાના ઘરે શું ખાશે કે શું પીશે તેની પર સરકાર રોક લગાવી શકે નહીં તેવી અરજદારોની રજૂઆત પણ છે.બંધ બારણે પોતાના ઘરે બેસીને કોઈ દારૂનું સેવન કરે તો એમાં સરકારને શું વાંધો છે તે પણ અરજદારોએ સવાલ ઉઠાવ્યો છે.
મહત્વનુ છે કે,ગુજરાત રાજ્યની રચના થઈ ત્યારથી જ રાજ્યમાં દારુબંધી અમલી છે.આ નિર્ણય પાછળનો હેતું એ હતો કે,ગુજરાત એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનુ જન્મસ્થળ છે,ગુજરાતના લોકો દારુની બદીથી બચી શકે.રાજ્ય સરકારે,વર્ષ 2017માં દારુબંધીના કાયદામાં થયેલા સુધારા મુજબ,કોઈ વ્યક્તિ દારુનુ ઉત્પાદન, ખરીદી,વેચાણ કે હેરફેર કરે તો તેને દસ વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.


