
અમદાવાદ તા.4 : કોરોના મહામારી-લોકડાઉનને કારણે આવકવેરા કામગીરીને વ્યાપક અસર થઈ જ છે ત્યારે કેસલેસ ઈ-એસેસમેન્ટમાં પણ 85 ટકા કેસોના ઓર્ડર થવા બાકી છે.31 ડિસેમ્બર સુધીમાં આ તમામ કેસો પુરા કરવાના છે.
કેન્દ્ર સરકારે કરદાતાઓની કથિત હેરાનગતી રોકવા માટે અધિકારીઓ-કરદાતાઓને રૂબરૂ મેળાપ ન કરવો પડે તેવો ફેસલેસ ઈ-એસેસમેન્ટ પ્રોજેકટ લોન્ચ કર્યો હતો. 8 મોટા શહેરોમાં લાગુ આ પ્રોજેકટમાં ગુજરાતમાંથી અમદાવાદનો સમાવેશ કરાયો હતો. 31 ડીસેમ્બર સુધીમાં પુરા કરવા માટે 4666 કેસો ફાળવાયા હતા તેમાંથી માત્ર 721 કેસો જ પૂર્ણ થઈ શકયા છે.ગુજરાતના ચીફ ઈન્કમટેકસ કમીશ્નર પ્રિતમ સિંઘે જણાવ્યું હતું કે 31 જુલાઈની સ્થિતિએ 721 કેસોનો નિકાલ આવી ગયો છે. બાકીના 3945 કેસો 31 ડીસેમ્બર સુધીમાં પુરા કરવા પડશે.રાષ્ટ્રીયસ્તરે પણ ઈ-એસેસમેન્ટ કેસોનો નિકાલદર 15 ટકા જ છે.
આવકવેરા સૂત્રોએ કહ્યું હતું કે ગત વર્ષે નવેમ્બરમાં ઈ-એસેસમેન્ટ પ્રક્રિયા શરૂ થઈ હતી.પરંતુ કોરોનાના કારણે કામગીરી વેરવિખેર થઈ હતી. જુનથી ઈન્કમટેકસની કામગીરી નોર્મલ બની છે.દરેક કેસ પાછળ એકથી વધુ અધિકારીઓ ફાળવવામાં આવ્યા છે.એક અધિકારી આકારરી કરે છે,બીજા કવેરીનો નિકાલ કરે છે,ત્રીજા વેરીફીકેશન કરે છે.તમામ કેસોનો 31 ડીસેમ્બર પહેલા નિવેડો લાવવામાં ટારગેટ છે.
એસેસમેન્ટ કામગીરી ઝડપી તથા પારદર્શી બનાવવા માટે ફેસલેસ પ્રોજેકટ શરૂ કરાયો હતો.સમગ્ર ભારતના 8 ટકા કેસો ગુજરાતને ફાળવવામાં આવ્યા હતા. સમગ્ર દેશમાં 58309 કેસ નિયત થયા હતા.તેમાંથી 4666 ગુજરાતને અપાયા છે.સમગ્ર દેશમાં 8701 કેસોનો નિકાલ થયો છે.ગુજરાતને લાગેવળગે છે ત્યાં સુધી ફેસલેસ ઈ-એસેસમેન્ટ માટે 42 અધિકારીઓનું ખાસ સેટઅપ ઉભુ કરવું પડશે.