અયોધ્યા/નવી દિલ્હી તા. 5 ઑગષ્ટ 2020 બુધવાર
ભાજપના ભૂતપૂર્વ સાંસદ વિનય કટિયારે આજે સવારે અહીં એવો અણિયાળો સવાલ કર્યો હતો કે રામ મંદિરના ભૂમિપૂજન પ્રસંગે પક્ષના વડીલ નેતા લાલ કૃષ્ણ અડવાની અને મુરલી મનોહર જોશીજી કેમ અહીં હાજર નથી ? આ બંને વડીલ નેતાઓની હાજરી આજે અહીં અનિવાર્ય ગણાય. રામ મંદિરના આંદોલનના પાયામાં આ નેતાઓ હતા એટલે આજે તેઓ અહીં હાજર રહેવા જોઇતા હતા.
અત્રે એ યાદ કરવા જેવું છે કે અડવાણીજી અને જોશીજી બંને ખાસ્સા વયોવૃદ્ધ છે અને હાલ કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે તેથી આ બંને નેતાઓ ઉપરાંત ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન તેમજ ભાજપના નેતા કલ્યાણ સિંઘ ઉપરાંત ઉમા ભારતીને એવી સલાહ આપવામાં આવી હતી કે તમે જોખમ લેતાં નહીં.ઉમા ભારતીએ તો આ સંદર્ભમાં સોમવારેજ આજના સમારોહના આયોજકોને જણાવી દીધું હતું કે હું સમારોહમાં હાજર નહીં રહું, સરયૂ તીરે હાજરી આપીશ. વડા પ્રધાન ભૂમિપૂજન કરીને પાછા જાય ત્યારબાદ હું રામલલાના દર્શન કરવા આવીશ.
પરંતુ વિનય કટિયારને આ વાત સમજાવવામાં આવી છતાં એ નારાજ થયા હતા અને રોષ વ્યક્ત કરતા શબ્દો ઉચ્ચાર્યા હતા. તેમણે કહ્યું કે અડવાણીજી અને જોશીજીને અહીં હાજર રહેવા સમજાવી લેવા જોઇતા હતા.તેમણે કહ્યું કે કોરોરાના વાઇરસ બાબતે હું પણ જાણું છું. પરંતુ કોઇ પણ કિંમતે એમને અહીં હાજર રહેવા સમજાવી લેવા જોઇતા હતા. એમને અહીં લાવવાની ખાસ વ્યવસ્થા કરવાની જરૂર હ તી.એમને સ્પેશિયલ ફ્લાઇટ મોકલીને અહીં લાવવા જોઇએ એવું હું માનું છું.
આજના કાર્યક્રમના આયોજકોએ જાહેરમાં એવી અપીલ કરી હતી કે 80થી 90 વર્ષના જે લોકો અયોધ્યા આવશે તેમને માટે વ્યવસ્થા કરવાનું મુશ્કેલ થઇ પડશે એટલે બહુ વૃદ્ધજનોએ બને તો અહીં આવવાનું ટાળવું.