વડોદરાની વિશ્વામિત્રી ભયજનક સપાટીથી માત્ર 4 ફૂટ જ દૂર, લોકોના શ્વાસ અદ્ધર થયા

423

વડોદરા : વડોદરાની વચ્ચેથી વહેતી વિશ્વામિત્રી નદી તેની ભયજનક સપાટીથી માત્ર 4 ફૂટ દૂર છે.જેથી હવે વડોદરાના માથે ફરી એકવાર પૂરનું સંકટ ઉભુ થવાની શક્યતા છે. ગત વર્ષે વિશ્વામિત્રી નદીના પૂરે ભારે તારાજી સર્જી હતી.ત્યારે આ વર્ષે ફરી એ જ સ્થિતિ પેદા થવાની તૈયારી છે.વિશ્વામિત્રી નદીનું ભયજનક લેવલ 26 ફૂટ છે. જ્યારે હાલ નદીનું લેવલ 22 ફૂટે પહોંચી ગયું છે.વડોદરામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે.ભયજનક લેવલ વટાવી જતા તંત્ર પણ એલર્ટમાં આવી ગયું છે.તો મોટાપાયે સ્થળાંતરની કામગીરી શરૂ કરાવામાં આવી છે.ભયજનક લેવલની નજીક પહોંચી જતા લોકોને ગયા વર્ષનું પૂર યાદ આવી ગયું છે.જેમાં જ્યાં જુઓ ત્યાં પાણીની ભયાવહ તસવીરો લોકોની નજર સામે તરી રહી છે.

વિશ્વામિત્રી 22 ફૂટે પહોંચી જતા સયાજીગંજ સુભાષનગરમાં લોકોના ઘર ડૂબ્યા છે.સુભાષનગર ગરનાળામાં પણ પાણી ભરાયાં છે.ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરાયો છે.પાણી ભરાવાથી વડોદરાવાસીઓને સૌથી વધુ ડર મગરોનો લાગી રહ્યો છે.જેઓ વિશ્વામિત્રી નદીની સપાટી ઉંચી આવતા જ બહાર આવી જાય છે.લોકોને પાણી ભરાવાથી મુશ્કેલી પડી રહી છે,પણ સાથે જ મગરનો પણ ડર લાગી રહ્યો છે.

વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટી વધતાં લોકોને મોટાપાયે સ્થળાંતર કરાયા છે.સયાજીગંજના સુભાષનગરમાંથી 20 પરિવારના 87 લોકોને ખસેડાયા છે. તો કારેલીબાગના જલારામનગરમાંથી 8 પરિવારના 20 લોકોને ખસેડાયા છે.ઉંડેરાના 4 પરિવારના 22 લોકોને પણ ખસેડાયા છે.તમામને તંત્રએ સુરક્ષિત સ્થાન પર આશ્રય આપ્યો છે.સયાજીગંજ સુભાષનગરના લોકોના ઘરમાં ઘુસતા વિસ્તારના તમામને સરકારી સ્કૂલમાં આશ્રય આપવામાં આવ્યો છે.ત્યારે લોકોએ ઝી મીડિયા સમક્ષ પોતાની આપવીતી વ્યક્ત કરી હતી કે, કોરોનાના કારણે ધંધા રોજગાર નથી રહ્યાં, હવે ઘર પણ છીનવાઈ ગયું છે.નાના બાળકો સાથે અમે સ્કૂલમાં રહેવા મજબૂર બન્યાં છે.સરકાર અમારા ગરીબ લોકોની મદદ કરે.

તો બીજી તરફ,વડોદરામા વિશ્વામિત્રી નદીની સપાટી 22 ફૂટ થતા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોમા ભયનો માહોલ ફેલાયો છે.જે જગ્યાએ દર વખતે સૌથી વધુ પાણી ભરાય છે ત્યાંના લોકો સતર્ક થયા છે.ગયા વર્ષે પૂરમા લાખોનું નુકસાન ભોગવનાર નાગરિકોમા ચિંતા વધી ગઈ છે. લોકો પોતાની કાર સલામત જગ્યાએ મૂકવા લાગ્યા છે.ઉર્મી બ્રિજ પર લોકોએ કાર અને ટુ વ્હીલર પાર્ક કરી દીધા છે. બ્રિજની બંન્ને સાઈડોમા લોકોએ વાહન પાર્ક કરી દીધા, જેથી પૂરના પાણીથી નુકસાન ન થાય.

Share Now