– GST કાઉન્સિલની આજની બેઠકમાં વળતરની બાકી ચૂકવણી મુદ્દે કેન્દ્ર-રાજ્યો વચ્ચે આકરી તડાફડીનાં એંધાણ
નવી દિલ્હી : જીએસટી કાઉન્સિલની ગુરુવારે યોજાનાર બેઠક તોફાની બનવાના પૂરેપૂરા એંધાણ છે.કેટલાક રાજ્યો અને કેન્દ્ર વચ્ચે જીએસટીની વહેંચણી અને તેના દર મામલે ઘર્ષણ થશે કેમ કે વિરોધ પક્ષ શાસિત રાજ્યો જીએસટીના અમલીકરણથી થતા નુકસાનનું વળતર આપવાના વચનને પૂર્ણ કરવા માટે કેન્દ્રસરકાર પર દબાણ કરવા એક થયા છે.
કેરળના નાણાંપ્રધાન થોમસ ઇશાક ઉપરાંત બિહારના નાણાં પ્રધાન સુશીલ મોદી પણ કેન્દ્રએ દેવું કરીને પણ રાજ્યોને વળતર ચૂકવવું જોઇએ તેવી તરફેણ કરી ચૂક્યા છે.પરંતુ,સૂત્રોના મતે કેન્દ્ર સરકાર કદાચ રાજ્યોને તેમની જાતે જ દેવું વધારવાનો વિકલ્પ આપી શકે છે.સુત્રોનું કહેવું છે કે જીએસટી કાઉન્સિલની ૪૧મી બેઠક વીડિયો કોન્ફરેન્સિંગ થકી યોજાશે.જેમાં ચર્ચાનો એકમાત્ર એજન્ડા રાજ્યોની આવકમાં થયેલા નુકસાનને પહોંચી વળવાનો છે. જે માટે બજારમાંથી ઋણ લેવા, સેસનો દર વધારવા અને કમ્પેન્સેશન સેસ લેવા માટે ચીજોની સંખ્યામાં વધારો કરવા જેવા વિકલ્પો ચકાસવામાં આવી રહ્યા છે.રાજ્યો તેમનું વળતર મેળવવા માટે કેન્દ્ર માટે જીએસટી વળતર સેસ વસૂલવાની મુદત હાલના પાંચ વર્ષથી વધારીને ૧૦ વર્ષ કરવા મામલે પણ દબાણ કરી શકે છે.કાપડ અને ફુટવેર જેવી કેટલીક ચીજો પર ઇન્વર્ટેડ ડ્યુટીમાં કરેક્શન અંગે ચર્ચાની પણ શક્યતા છે તેમ સુત્રોનું કહેવું છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે રાજ્યોની નાણાકીય સ્થિતિ વધુ વણસી છે.બીજી બાજુ કોંગ્રેસ અને તેની સાથે સંકળાયેલા પક્ષો શાસિત રાજ્યોએ બુધવારે સરકાર પાસેથી બાકી પૈસાની ચુકવણી કરવાની સામૂહિક માગણી કરી હતી.


