જામનગર: જોડિયા પંથકમાં રેતી ચોરી મામલે ધ્રોલ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ સવજીભાઇ કગથરાએ કરેલ રજૂઆતના પગલે નથુવડલાના રેતીના લીઝ ધારક બળદેવસિંહ જાડેજાએ મુખ્યમંત્રી,ભાજપ પ્રદેશ પ્રમુખ વગેરેને વળતી રજૂઆત કરીને ભાજપના આગેવાનોની કરતુતોની પોલ ખોલતા ધ્રોલ પંથકમાં ચકચાર જાગી છે.
લીઝ ધારક બળદેવસિંહ જાડેજાએ કરેલ રજૂઆતમાં જણાવ્યું છે કે,ધ્રોલ તાલુકાના નથુવડલા ગામ પાસેથી પસાર થતી ઉંડ નદીમાં મને સરકારે દ્વારા સાદી રેતીની લીઝ આપવામાં આવેલ હતી જેમાં ગત ઉનાળે કોરોના લોકડાઉનના હિસાબે મારી લીઝ ચાલુ કરેલ ન હોય અને હાલ લીઝમાંથી રેતીનું ખનન કરતા હોય ત્યાં માથાભારે માણસો દ્વારા તેના મળતીયાઓને મોકલી સાઇટ પરના માણસોને ગાળો દેવામાં આવે છે,ધમકીઓ આપવામાં આવે છે પરંતુ આ દરેક વસ્તુને હું ગણકારતો હોય જેથી તાજેતરમાં નથુવડલા ગામે ઉંડ-2 ડેમની અંદર દરરોજની રૂા.250000ની ખનીજ ચોરી થાય છે.જે તદ્દન ખોટી હોય અને ઉનાળામાં બીન કાયદેસર રીતે ખનીજ ચોરી કરતા ઇસમો દ્વારા એક વ્યકિતને ઉભો કરીને પોતાનું બીન કાયદેસર ખનન ચાલુ રાખવા માટે આવી રજૂઆત કરવામાં આવેલ છે.તેમજ મારી લીઝમાંથી જે રેતી કાઢુ છું તેની સરકારને રોયલ્ટીના સ્વરૂપમાં ટેકસ ભરપાઇ કરૂ છું જેથી ખનીજ ચોરોને તેઓને ખનીજ ચોરી કરવામાં તકલીફ પડતી હોય તેમજ મારી લીઝે જવાનો રસ્તો તેમજ સોયલ ગામથી લીઝ સુધી અવાર નવાર રસ્તો કાયમી ધોરણે રીપેર કરવામાં આવે છે જે રસ્તો ખરાબ થઇ જવાની રજૂઆત તદ્દન ખોટી છે.તેમજ વાહીયાત કારણોસર ઉભા કરીને ભાજપના કહેવાતા માજી પ્રમુખ સવજીભાઇ કગથરા આવી ખોટી અરજીઓ કરવા ટેવાયેલા હોય અને જેઓને આવી અરજીઓ ન કરવા માટે ખનીજ ચોરો દ્વારા પૈસા આપવામાં આવતા હોય જેથી ખનીજ ચોરો સાથે સાંઠ ગાંઠ રાખીને પ્રદેશ ભાજપ પ્રમુખને ખોટી રજૂઆત કરેલ હોય છે.
વધુમાં નિષ્ઠાથી કામ કરતા સરકારના વિવિધ ખાતાના અધિકારીઓ વિરૂઘ્ધ ખોટી રજૂઆત કરેલ હોય જેથી નિષ્ઠાપૂર્વક કાર્યકર્તા અધિકારીઓને પણ સાથે ભળી ગયેલ હોય તેવું રજૂઆતમાં દર્શાવેલ હોય ખરેખર આ વ્યકિત સરકારનો હિતેચ્છુ હોય તો કાયદેસર સરકારમાં રોયલ્ટી ચૂકવવામાં આવે છે જે રોયલ્ટીના પૈસાથી સરકાર દ્વારા વિવિધ ગ્રાન્ટો દ્વારા વિકાસના કામ થતા હોય જેથી આવા સરકારની આવક બંધ થાય એ ઉદેશથી ખોટી રજૂઆત કરનાર વ્યકિત સામે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગણી કરી છે.


