અમદાવાદ : કેગના રિપોર્ટમાં નોંધવામા આવ્યુ છે કે પ્રોજેક્ટ ઈમ્પ્લિમેન્ટેશન યુનિટ દ્વારા પસંદ કરાયેલ જિલ્લામાં સંબંધિત વપરાશકર્તાઓને પૂર્ણ થયેલ 80માંથી 26 બિલ્ડીંગ બાંધકામ પૂર્ણ થયાની તારીખથી હસ્તાંરિત કરવામા 19 મહિના સુધીનો સમય લેવામા આવ્યો હતો.જુન 2020ની સ્થિતિએ 197 કરોડના ખર્ચે બાંધવામા આવેલા પાંચ બિલ્ડીંગસ ઉપયોગમાં જ લેવાયા ન હતા અથવા તો આંશિક રીતે ઉપયોગમાં લેવાયા હતા.
બાંધકામ પૂર્ણ થયા બાદ પ્રોજેક્ટ ઈમ્પ્લિમેન્ટેશન યુનિટે જે હેતુ માટે બિલ્ડીંગ બંધાયુ હોય અને સરકારની સંસ્થાનું બિલ્ડીંગ હોય તે સંસ્થાને જે તે હેતુના વપરાશ માટે બિલ્ડીંગ સોંપવાનુ હોય છે.પરંતુ કેગના રીપોર્ટ મુજબ રાજ્યની પાંચ હોસ્પિટલ-સંસ્થા બાંધકામ પૂર્ણ થયા બાદ પણ હજુ સુધી વણવપરાયેલી પડી છે.
જેમાં 57.86 કરોડના ખર્ચે બંધાયેલી સુરતની સ્ટેમ સેલ ઈન્સ્ટિટયુટ કે જે ઓગસ્ટ 2015થી વપરાશમાં નથી.હાલ સુધારા બાદ મકાનને જનરલ હોસ્પિટલ તરીકે ઉપયોગમાંં લેવાનું નક્કી થયુ હતુ પરંતુ હજુ તે પણ થયુ નથી. આ ઉપરાંત સુરતની 55.57 કરોડના ખર્ચે બનેલી કિડની હોસ્પિટલ ડિસેમ્બર 2015થી વપરાશમાં નથી.
સુધારા બાદ બિલ્ડીંગને સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ તરીકે ઉપયગોમાં લેવાનો સરકારનો નિર્ણય થયો હતો પરંતુ જુન 2020 સુધી તેનો પણ અમલ થયો નથી. રાજકોટમાં 52.56 કરોડના ખર્ચે બનેલી કેન્સ હોસ્પિટલ એપ્રિલ 2016થી વપરાશમાં નથી.મકાનનો 20 ટકા ઉપયોગ અન્ય કામ માટે થયો હત પરંતુ સ્ટાફની નિમણૂંક ન થવા સાથે સુવિધાઓ પણ ન હોવાથી 24 કલાકની ઈનડોર સેવાઓ દર્દીઓ માટે કાર્યરત ન હતી.
વલસાડમાં 19.28 કરોડના ખર્ચે બનેલી નર્સિંગ સ્કૂલ જુન 2012થી વપરાશમાં નથી.મેડિકલ કોલેજ દ્વારા જુલાઈ 2012 અને જુલાઈ 2017 વચ્ચે બિલ્ડીંગ હંમામી ધોરણે ઉપયોગમાં લેવાયુ હતુ.પરંતુ ત્યારબાદ બિલ્ડીંગ વણવપરાયલે પડી રહ્યુ હતુ.હાલમાં કોવિડની સારવારમા રોકાયેલ સ્ટાફના ક્વોરેન્ટાઈન સેન્ટર તરીકે ઉપયોગ થાય છે.
વધુમાં વડાપ્રધાનના વતન વડનગરમાં 11.67 કરોડના ખર્ચે બનેલી અને વડાપ્રધાનના જ હસ્તે ઉદઘાટિત થયેલી જીએમઈઆરએસ હોસ્પિટલના વધારાના ત્રણ માળ ડિસેમ્બર 2015થી વપરાશમાં નથી.સજાવટ કાર્યો માટેના ટેન્ડરો મંગાવાયા હતા પરંતુ હજુ સુધી કામગીરી શરૂ કરવાના ઓર્ડર થયા જ નથી.આમ પાંચ હોસ્પિટલ-સંસ્થાના બિલ્ડીંગ પાંચ વર્ષથી અથવા તો શરૂઆતથી મુખ્ય હેતુ માટે વપરાયા જ નથી.


