ગુજરાતમાં એક વર્ષમાં ગેંગરેપ, એક જ આરોપી દ્વારા ફરી દુષ્કર્મના બનાવો બમણા થયા

405

અમદાવાદ,તા. 2 : મહિલાઓ સામેના અપરાધોની દ્રષ્ટિએ 27.1 સાથે ગુજરાત ચોથા ક્રમનો દર (એટલે કે એક લાખની વસતિએ કેસોની સંખ્યા) ધરાવે છે. ભારતનો રાષ્ટ્રીય સરેરાશ દર 61.3 છે.જો કે આઈપીસી અને અન્ય કાયદાઓ નીચે 2019માં મહિલાઓ સામે ગુજરાતમાં અપરાધો 5.6 ટકા વધ્યા હતા.

ચોંકાવનારી વાત એ છે કે એક જ આરોપી દ્વારા એકથી વધુ વાર બળાત્કાર થયાનું જણાવનાર પીડિતાની સંખ્યા 2018 કરતાં 2019માં બમણી થઇ છે.નેશનલ ક્રાઈમ રેકોર્ડસ બ્યુરોનાં આંકડા મુજબ એક જ ગુનેગાર દ્વારા એકથી વધુ વાર બળાત્કાર થયાનું જણાવનારી પીડિતાઓની સંખ્યા 2018માં 30 હતી તે 2019માં વધી 62 થઇ હતી.એવી જ રીતે ગેંગરેપની સંખ્યા 2018માં 7 હતી તે 2019માં વધી 14 થઇ હતી. દુષ્કર્મનાં કેસોનું વિશ્ર્લેષણ સૂચવે છે કે 96.4 ટકા પીડિતાઓ આરોપીઓને જાણતી હતી.રિપોર્ટ મુજબ દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાઓમાં એક ગર્ભવતી મહિલા અને માનસિક અથવા શારીરિક અક્ષમતા ધરાવનારી 4 મહિલાઓનો સમાવેશ થતો હતો.

ગુજરાતનાં બે મોટા શહેરોમાં મહિલાઓ સામેના અપરાધો નોંધપાત્ર રીતે વધ્યા હતાં.સુરતમાં 2018માં 712 બનાવો બન્યા હતા તે 2019માં 42 ટકા વધી 1015 થયા હતાં.અમદાવાદમાં અપરાધોની સંખ્યા 15 ટકા વધી 2019માં 1633 થઇ હતી.સમગ્ર ગુજરાતમાં એક વર્ષમાં મહિલાઓ સામેનાં અપરાધો 5.6 ટકા વધ્યા છે. પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુલ ઓફેન્સીસ (પોક્સો) નીચે પણ રાજ્યમાં બનાવો 5 ટકા વધ્યા છે.

રાજ્ય પોલીસના ડેટા મુજબ 2020ના જુલાઈ માસમાં રાજ્યમાં બળાત્કારનાં 307 બનાવો નોંધાયા છે,મતલબ કે દર મહિને 44 રેપ થાય છે. 2019માં પણ આટલી જ સંખ્યામાં દુષ્કર્મના બનાવો થયા છે.

Share Now