શિરડી સાંઇ મંદિરને લોકડાઉનમાં રૂ. ૨૧ કરોડનું ઓનલાઇન દાન

349

નવી દિલ્હી,તા. ૨: મહારાષ્ટ્રના શિરડી સાંઇ મંદિરમાં આ સમયે દર્શન બંધ છે.ઓનલાઇન જ લોકો સાંઇબાબાના દર્શન કરી રહ્યા છે.છતાંય આસ્થા એટલી ઊંડી છે કે,લોકડાઉન દરમિયાન ૧૭મી માર્ચથી ૩૧ ઓગસ્ટની વચ્ચે મંદિરને રૂ. ૨૦.૭૬ કરોડનું દાન મળ્યું છે.

નેશનલ અનલોકમાં અનેક મંદિર ખુલી ગયાં છે.ધીમે-ધીમે મંદિરોમાં લોકોની સંખ્યા અને દાનની રકમ પણ વધી રહી છે.વૈષ્ણોદેવી મંદિરથી લઇને તિરુપતિ સુધી, જયાં મંદિર ખુલ્યા છે,ત્યાં હવે શ્રદ્ઘાળુઓની સંખ્યામાં નિરંતર વધારો થઇ રહ્યો છે. જોકે, મહારાષ્ટ્રના બધા મંદિર આ સમયે બંધ છે.શિરડી સાંઇ મંદિર,સિદ્ઘિ વિનાયક જેવા મોટા મંદિરમાં છેલ્લા છ મહિનાથી સન્નાટો ફેલાયેલો છે.લાખોની સંખ્યામાં ભકતોની અવરજવરવાળા આ મંદિરો આટલાં ઉજ્જડ કયારેય હતાં નહીં,પરંતુ ઓનલાઇન દર્શન ચાલી રહ્યા છે.૧૬મી ઓગસ્ટથી શરૂ થયેલાં જમ્મુના માતા વૈષ્ણોદેવી મંદિરમાં બધા ચહેરા માસ્કવાળા જોવા મળે છે.સંખ્યા ઓછી છે,પરંતુ જય માતા દીના જયકારનો જોશ તેવો જ છે.હવે શ્રદ્ઘાળુઓની સંખ્યા રોજ ૫૦૦૦ કરી દેવામાં આવી છે.

તેમાંથી ૪૫૦૦ લોકો જમ્મુના રહેશે અને બહારના રાજયોથી માત્ર ૫૦૦ શ્રદ્ઘાળુ.અત્યાર સુધી રોજ લગભગ ૨૦૦૦ લોકોને મંજૂરી હતી.તેમાં બહારના લોકોની સંખ્યા માત્ર ૧૦૦ જ હતી.વૈષ્ણોદેવી દર્શન માટે દરેક શ્રદ્ઘાળુઓ પાસે ૪૮ કલાક પહેલાનો કોવિડ-૧૯ નેગેટિવ રિપોર્ટ હોવો જરૂરી છે.

જો કોરોનાનો રિપોર્ટ ૪૮ કલાકથી વધારે જૂનો છે તો તેને માન્ય ગણવામાં આવશે નહીં. ૧૦ વર્ષથી નાની ઉંમરના અને ૬૦ વર્ષથી વધારે ઉંમરના લોકોને મંજૂરી આપવામાં આવશે નહીં.શ્રદ્ઘાળુઓનો એન્ટિજન ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યો છે.૩૦મી સપ્ટેમ્બર સુધીનું બુકિંગ લગભગ થઇ ગયું છે.ઓનલાઇન મંજૂરી લઇને આવતાં લોકોને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

આંધ્ર પ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરમાં ૧૧ જૂનથી લઇને અત્યાર સુધી લગભગ ૧૫૦૦ કર્મચારી કોરોના પોઝિટિવ મળી આવ્યાં છે.તેમ છતાં અહીં આવતાં શ્રદ્ઘાળુઓની સંખ્યામાં દ્યટાડો આવ્યો નથી. ૬૦૦૦થી વધીને અહીં રોજ દર્શન કરનાર લોકોની સંખ્યા લગભગ ૧૫ હજાર થઇ ગઇ છે.રોજ મળતાં દાનમાં પણ ખાસ નફો થઇ ગયો છે.છેલ્લાં ૧૫ દિવસોથી તિરુપતિ બાલાજીમાં રોજના હૂંડી કલેકશનનો આંકડો ૮૫ લાખથી ૧.૧૦ કરોડની વચ્ચે છે.

Share Now