કેન્દ્ર GSTનો ખાડો પુરવા રાજ્યો વતી 1.10 લાખ કરોડનું દેવું કરશે

249

નવી િદલ્હી : કેન્દ્ર સરકારે જીએસટી કલેક્શનની ખાધ પુરવા માટે રાજ્યો વતી 1.10 લાખ કરોડનું દેવું કરવાનો નિર્ણય કર્યો છે એમ નાણાં મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું.કોરોના પ્રેરિત લોકડાઉનના કારણે મંદી આવતાં જીએસટી કલેક્શનમાં ઘટાડો થયો છે.તેના કારણે રાજ્યોનાં બજેટ ખોરવાઇ ગયાં છે.આ ખાધ પૂરવા માટે દેવું કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.

નાણાં મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાજ્યોને ખાધ પુરવા માટે વર્તમાન મર્યાદા ઉપરાંત 1.10 લાખ કરોડનાં દેવાં માટે એક સ્પેશ્યલ વિન્ડો ઓફર કરવામાં આવી રહી છે.કેન્દ્ર સરકાર પોતે આ 1.10 લાખ કરોડનું દેવું કરશે અને રાજ્યોને વળતર સેસના બદલામાં બેક ટુ બેક લોન તરીકે તેમાંથી હિસ્સો અપાશે. રાજ્યો અલગ અલગ દેવું કરે તેને બદલે કેન્દ્ર સરકાર દ્વારા જ દેવું થવાને કારણે યિલ્ડ અને બોન્ડ ઓક્શનમાં એકસૂત્રતતા આવશે. 1.10 લાખ કરોડ ઊભા કરવા માટે ત્રણ કે ચાર વર્ષનાં બોન્ડ ઇશ્યૂ કરવામાં આવશે.કેન્દ્ર એકલા હાથે દેવું કરશે એટલે દેવાંનો દર એકસમાન રહેશે અને તેમાં વહીવટી સરળતા રહેશે. આ દેવાંથી રાજકોષીય ખાધ પર કોઇ અસર નહીં પડે.જીએસટી સેસનાં વળતરનું વચન પાળવાનો કેન્દ્ર સરકારે આ વખતે ઇનકાર કરી દીધો છે.તે પછી રાજ્યોને દેવું કરવાની સલાહ અપાઇ હતી. પરંતુ બિનભાજપશાસિત રાજ્યોએ તે માટે ઇન્કાર કરી દીધો હતો.

Share Now